પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અને મોતડી સુયાણીએ તો હજાર છોકરાં જણાવ્યાં છે; એ તમારે મન કાંઈ નહિ ! એ તો ચોખ્ખું કહે છે કે, આ વળગાડ છે."

"ને રામેશ્વરનો પણ એ જ મત છે કે બધું માનસિક છે." માસ્તરે તપખીરની ચપટી નાકે ચડાવી.

"પણ હું મારે ખરચે દાક્તર બોલાવું."

"દીકરીની એબ જાણીબૂઝીને દાક્તર પાસે દેખાડાય ?"

"નહિ દેખાડીએ તો જીવની જાશે."

"હાય, માડી ! તમારે તો ઠીક કે નવું માણસ મળી રહેશે; પણ આવી કાળ-વાણી કાઢીને અમારી સાત ખોટની દીકરીને કાં મરતી વાંછો !" મંછાની બા ગળગળાં થઈ ગયાં.

"પણ આ ગુહ્ય ભાગના ચીરા પર ટેભા લેવાની જરૂર છે."

"અમે હાથ જોડીએ છીએ તમથી, બાપ ! ઠીક પડે તેમ કરો ! મેં તો બાર સુવાવડ્યો કાઢી નાખી, પણ આ તો નવાઈ !"

"આ તો સુવાવડ કહેવાય, ધીરજલાલ !" ઓઘડ માસ્તરે શિખામણ આપી: "આમાં સારવાર જ ન હોય. એ બૈરાંઓનો કાર્ય-પ્રદેશ છે. તમે મર્યાદા લોપો છો. આર્યધર્મ સચવાતો નથી."

"કહું છું કે મેં બાર સુવાવડ્યો કાઢી નાખી. ટંકેટંકે શેર ઘીનો શીરો ખાઈ, બે વાર ઠીકાઠીકનો શેક લઈ અમે તો કોઈ ભાત્યના પગની આંટી વાળીને પડ્યાં રહેતાં. આઠ દિવસે તો ખાટલો ઉપાડી મેલીને હરતાંફરતાં જઈ જતાં. તમે અમારે ઘરે આવીને આ પોપલાઈ શી માંડી છે, બાપ ! આ મગનાં પાણી શાં ! આ માથા ઉપર બરફ ને પેટમાં આ પિચકારી શાં !"

ધીરજલાલ પાસે આ દલીલોનો જવાબ નહોતો. એણે રાજકોટ દાક્તરને તાર કરી તેડાવ્યા. એ મંછાની પથારી પર જ ખોડાઈ ગયા જેવો દિવસ-રાત બેઠો રહ્યો. ગુહ્ય ભાગના લાંબા ચીરામાં મળ ન ભરાઈ જાય તે સારુ એ ત્યાં લોશનનું પોતું રાખીને મંછાને ઝાડે બેસારતો, પેશાબ કરાવતો, પખાળતો. બેભાન મંછાના કપાળ અને પેડુ પર બરફ મૂકી પ્રભુ-પ્રાર્થના કરતો હતો. દરમિયાન મંછા લવતી. મંછાનાં માવતર જમાઈની આ