પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તેમ, એક ઘરની માંદગી એ અનેક લાગતાંવળગતાંઓને માટે વરાનો, ઉત્સવનો, ગામડામાંથી શહેરમાં હટાણું કરવા આવવાનો ને વેવિશાળ-વિવાહ શોધવાનો અવસર બની ગયેલ છે. રાગી દીકરીની ખદબદતી પથારી ઉપર પ્રેત જેવો ને સહુએ અવગણેલો એક ફક્ત ધીરજલાલ જ બેઠો છે, ઘરમાં સાંકડ ઘણી, તેથી રાત્રિએ છેક મંછાના ઓરડાના બારણા સુધી ઠાંસોઠાંસ પથારીઓ પડતી. પથારીમાં પડ્યાં પડ્યાં કોની કોની વહુ-દીકરીઓને કેવીકેવી જાતના વળગાડ લાગુ પડી ગયા હતા તેની જ ઝીણી ઝીણી કથનીઓ ઊખળતી. મંછાની બા પોતાની નણંદને, કાકીજીને, જેઠાણીને વગેરેને હાથ દાબીને કહેતી કે, "આનેય એની સાસુ વળગી છે, બાપ ! માતાજી એને હેમખેમ ઊભી કરે તો હું પાણી પીવાય રોકાણા વગર પહેલી પ્રથમ એને વઢવાણ બૂટ-મા પાસે લઈ જઈશ. ત્યાં પહોંચ્યા પછી જ મારે અડદ-મગની અને ઘીની આખડી છૂટશે. આંહીંના બાવાજીની તો કારી ન ફાવી."

મહેમાનો કહેતાં: "બૂટ-મા પાસેય ઠીક છે; નીકર સાળંગપર હડમાનજીય ઝોડ તો ભારે કાઢે છે. પારસીઓ પણ ત્યાં તો પારંપાર આવે છે. ગોરાઓ પણ ત્યાં જોવા ઊતરે છે."

"પણ ભૂવો તો બૂટ-માનો હો ! કાળભેરવનો જ અવતાર. એના હાથની બે અડબોથ પડશે, એટલે મંછીની કાયામાં રાંડ ડાકણ્ય કે શાકણ્ય એક ઘડીય ઊભી નહિ રહે !"

"પણ આ રાફડે ભોરિંગ બેઠો છે ને, બાઈ !" મંછીની બાએ ગુપચુપ અવાજે ધીરજલાલને ઉદ્દેશીને કહ્યું: "પથારી જ ક્યાં છોડે છે !"

"ઈ તો બાળબુદ્ધિ કે'વાય. એને ગણકાર્યા વિના ઝટ છોકરીને બાપડીને કાં બૂટ-મા ભેળી ને કાં સાળંગપર ભેળી કરો; નીકર જમાઈ એનો જીવ ચૂસી જાશે ક્યાંક."

ઓરડામાં સૂતેલા ધીરજલાલની કાગાનીંદરમાં આ બધી વાતો અરધીપરધી સંભળાઈ, અને એના મગજ ઉપર વિકરાળ ઓળા અધ્ધરથી