પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લટકવા લાગ્યા. જેઠ મહિનાના નિર્જળ આકાશમાં નિષ્પ્રાણ વાદળાં વાયુને રૂંધી રૂંધી જગતને ગૂંગળાવી રહે તેવું એના ચિદાકાશમાં થયું. સાળંગપરના હનુમાન અને વઢવાણનાં બૂટ મા બન્ને જાણે મંછાના રક્તમાંસહીન શરીર સારુ બાથંબાથા લડતાં દેખાયાં. બન્નેના ભૂવાઓ મંછાના ભયભીત ચહેરા સામે ભમ્મર ચડાવી ડોળા તાણી એના હાડપિંજર પર અડબોથો લગાવતા એકબીજાના જોરની હોડ કરતા ધીરુને દેખાયા.

સવારે જ્યારે મંછાને બૂટ-મા પાસે અથવા સાળંગપર હનુમાને લઈ જવાની વાત ચર્ચાવા લાગી ત્યારે ધીરજલાલ સાસુ-સસરાને પાયે પડી વારવા લાગ્યો. એણે કહ્યું કે, મને મારું માણસ પાછું આપો. હું મારે ઘેર લઈ જઇ એની સારવાર કરીશ, પણ એને દૈત્યોના હાથમાં ન સોંપો. ને મંછાને બીજી કશાની નહિ, શાંત સારવારની, મીઠી હુંફની જરૂર છે. એને વળગાડ નથી. મારી મા હલકટ નહોતી. હું એની છબીને હજુ રોજ મારી આંખે અડકાડું છું. છબીમાંથીયે એ તો નિરંતર મંછા સામે મીઠું મીઠું મલક્યા જ કરે છે. અને મારી કંચન પર મંછા પેટની પુત્રી જેવું હેત રાખે છે, એથી તો એ મૃત આત્મા બહુ પ્રસન્ન રહે છે. ભલા થઈને મારું ઘર ન ભંગાવો. હું જીવતરમાં હવે કેટલાંક થીગડાં દઈશ ?"

મંછાની બા ધીરજલાલની આ હુજ્જતથી બેહદ કચવાટ પામ્યાં: "તમારે મન વૈદ ખોટા, સુયાણી ખોટી, લાજમરજાદ ઢોંગ, અમારાં સગાંવહાલાં શત્રુ, અમે શત્રુ, અને છેવટ બૂટ-મા ને હડમાન પણ દૈત ઠર્યાં ! તમે અમારી છોકરીનો જીવ લેવા કાં ફર્યા છો ? દેવસ્થાનાંને વગોવ્યે શી સારાવાટ થશે ?"

"તમે જો મારી મંછાને ત્યાં લઈ જશો તો હું ઝેર ખાઈને મરીશ."

"ઝેર ખાવાની બીક બતાવો છો ? અમને કાળી ટીલી ચોંટાડવી છે ! ઝેર ખાવાની ડરામણી ? હાય હાય, માડી ! આ તે કયા ભવનાં વેર ?" સાસુએ મોં ઢાંકી રુદન માંડ્યું. ગામ ગાજી ઊઠ્યું.