પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમે હવે ઘેર જશો ?" મંછાએ વાત ઉપાડી.

"જઈને શું કરું ?"

"નોકરી કરો."

"નોકરી - હં..." ધીરજલાલ વાત પી ગયો. એની નોકરી રદ થઈ હતી. સ્ત્રીની સુવાવડ કરવા પુરુષ જય, અને બબ્બે વાર તારથી રજા વધારવાની અરજી આપે. એ વસ્તુમાં 'ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ'ને નોકરીની બેપરવાઈ તથા દાંડાઈ લાગવાથી, 'ખાતાને આવી સુવાવડોના વૈભવ - 'લક્ઝરી' - ન પોસાય' એવી ટીકા સાથે, બરતરફી ફરમાવી હતી. આ વાત એણે મંછાથી છુપાવી હતી. એણે આટલું જ કહ્યું: "નોકરી મારે નથી કરવી. તું ન ઊઠે ત્યાં સુધી મારે તારી પથારી નથી છોડવી."

"પણ મારે બૂટ-માની માનતાએ જઈ આવવું છે. કાલે મને ચાળીસ વાસા થાશે. હું નહાઈ નાખીશ."

"આ દશામાં નવાય ? કોલન-વૉટરથી હું તારા શરીરને માલિસ કરી નાખું, નહાવું રહેવા દે. અને, મંછા, તું ઊઠીને બૂટ-માતાના વહેમમાં ફસાઈશ ! આ તારું હાડપિંજર એ દૈત્યની થપાટો ખમી શકશે ?" ભૂવાઓના ભયાનક ઓળા ધીરજલાલની કલ્પનામાં આકાર ધરવા લાગ્યા.

મૃત્યુ સાથેની - અંધકાર સાથેની - દારુણ લડતમાં એ જુવાન જીત્યો નહિ. આખું ગામ મૃત્યુની ભેરે ઊભું થયું. ઘરમાં બંધિયાર સ્નાનાગાર તો નહોતું, ચોકડી પણ નહોતી. સાંકડા, ઉઘાડા ફળીમાં બે બાજુ ખાટલા મૂકીને વચ્ચે મંછાને નવરાવી. બીજે જ દિવસે મંછાને 'ડબલ ન્યુમોનિયા' ઊપડ્યો. દાક્તરે આવીને જાહેર કર્યું કે, "ઉઘાડી હવામાં નવરાવવાનું આ પરિણામ છે. મારા હાથમાં કારી નથી." સન્નિપાતમાં મંછા બહુ લવી. પથારી પરથી ઊઠી ઊઠી નાસવા લાગી. ભાંગ્યુંતૂટ્યું લવવા લાગી કે, "ચાલો ઝટ આપણે ઘેર. ચાલો પૂનમનો ચાંદો ઊગ્યો : આપણે બન્ને સ્ટેશન પર ફરશું: લો, બબલાને ઉછાળો ! ચાંદા સુધી ઉછાળો ! જો, બૂટ-માનો ભૂવો એને વચ્ચેથી ઝીલવા આવે છે, આપશો નહિ. લઈને ભાગી જાઓ - મને ભલે પકડી