પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુક્તાને હું મારો હાથ બતાવીશ; મારા દીકરાનો ભવ એ કેમ બગાડી શકે છે તે હું જોઇ લઈશ."

સુખદેવ ડોસાએ 'જોઇ લઇશ' શબ્દના ઉચ્ચારની સાથોસાથ પોતાના શરબતી મલમલના પહેરણની બાંયો ચડાવી. પણ, સાચા વીર-રસની સાથે કરુણ રસ તો જોડાયેલો જ હોવાથી, 'મારા દીકરાનો ભવ' એ શબ્દની અસરરૂપે ડોસાની આંખોમાં પાણી પણ દેખાઈ ગયાં.

પ્રો. ઇન્દ્રજિતને કૉલેજમાં જવાનો વખત થયો હતો. કાંડા-ઘડિયાળ ઉપર એની નજર રમતી હતી. પણ સુખદેવ ડોસાને પડખે ખડા રહેવાનો ધર્મ એને ઊઠવા દેતો નહોતો. એણે કહ્યું: "જુવાનો પર મારો કાબૂ છે એ વાત સાચી; ને હું સ્ત્રી જાતિના હક્કોનો પક્ષકાર છું, મેં જુવાનોને મારાં ભાષણો વડે એ જુસ્સો પિવરાવ્યો છે. પણ હું તમારી મુક્તાના કિસ્સામાં તો કાળો કેર જોઉં છું. વેવિશાળ તોડવાની વાત હોય તો વાજબી હતું. આપણામાં છૂટાછેડા અથવા તલ્લાકનો કાય્દો હોત તો પણ માર્ગ થઈ શકત. પણ, એવા કોઇ કાયદાની ગેરહાજરીમાં, પરણેલી હિન્દુ સ્ત્રીથી આવો સ્વેચ્છાચાર કેમ થઈ શકે ?"

"કહું. એના બાપના ઘરમાં દીકરી વધીને તાડ થઈ ગઈ હતી. પ્રીતમલાલ એને ક્યાં સંતાડત ! હાઇસ્કૂલમાં ભણાવતા હતા ત્યાં કાંઇક વગોણું થયું. ઉઠાડી લીધી. ઘરમાં આખો દા'ડો હાર્મોનિયમ ઉપાડીને બેસતી. ગાતી. નાયકાનું ઘર હોય તેમ લોકોની ઠઠ વીંટળાતી. બાપની ઊંઘ ઊડી ગઈ હતી. કોઇ મુક્તાનું કાંડું ઝાલવા તૈયાર નહોતું. એવામાં મારા રમણની વહુ સ્ટવથી દાઝી મૂઇ. શ્રીફળની તો અમારે તેરમા જ દિવસે પડાપડી બોલી. પણા મુક્તાના બાપા સાથેની મારી જૂની મહોબ્બત હું નહોતો ભૂલ્યો. એણે વેવિશાળનો તાર કર્યો ને તરત ચાંદલા થયા. પછી મારા રમણ વિષે આઘાપાછી વાતો સાંભળીને મુક્તા રડી હશે, એટલે મારાં તેડાવ્યાં એનાં માબાપ એને ખાસ લઈને મારે ઘેર આવી આઠ દિવસ રોકાયાં. હું તો અનુભવી ખરો ને, ઇન્દ્રજિતભાઇ !" આંહીં સુખદેવ ડોસાનું મોં ગુલાબ જેવું લાલ થઈ ગયું. "એટલે મેં એક લૉકેટ, બે એરિંગ અને એક 'રોલ્ડ-