પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાંય નથી પરણવું ને ક્યાંય નથી પરણવું.'

"ઓહો ! કારણની ખબર નથી, એમ કહ્યું ?" પ્રો. ઇન્દ્રજિતે માનવ-સ્વભાવનો તલસ્પર્શ કરેલો ખરો ને, એટલે એણે પકડી પાડ્યું: "સમજી શકાય છે: છૂપો કોઇનો પ્રેમ... !"

સુખદેવ ડોસાએ આગળ ચલાવ્યું:

"એ તો એ જાણે ને એનાં પાપ જાણે. પણ આવા ધમરોળ માંડ્યા, એને એની મા પોપલાવેડા કરતી રહી, ત્યારે પછી એનો બાપ આવ્યો. સારી પેઠે કેળવાએલો ને સંસ્કારી બાપ. થોડી વાર તો સાંભળી રહ્યો. દાઝ તો કાન ઝાલીને બે તમાચા ખેંચી કાઢવાની ચડી હતી; પણ દીકરીની મનપસંદગી ઉપરવટ એને જવું નહોતું. એણે કડક અવાજે કહી નાખ્યું: 'મુક્તાને કહો કે આ ઘોલકીની રમત નથી માંડી. ચોવીસ કલાકની મહેતલ આપું છું. પોતાની દુર્દશાનો પૂરો ખ્યાલ કરીને જવાબ આપે."

"ધૅટ્સ ઇટ (બરાબર છે) !" પ્રો. ઇન્દ્રજિતે ગળું ફુલાવીને સંતોષ બતાવ્યો. "ચમત્કાર વિના નમસ્કાર નહિ !"

"સીધીદોર થઈ ગઈ, ઇન્દુભાઇ ! - નેતર જેવી સીધી થઈ ગઈ ! બધા ફંદ મૂકી દીધા. ચોવીસ કલાકે એની માએ જઈને બાપને કહ્યું કે, 'મુક્તા ટાઢિ પડી ગઈ છે. હા પાડે છે'

"એ રીતે ચોખ્ખી સ્વેચ્છાથી લગ્ન કર્યાં. છતાં એ છોકરીએ ચાર દિવસ તો અમારે ત્યાં માંડ માંડ કાઢ્યા. ભુરાંટી થઈ. ઘર આખું ચગડોળે ચડાવ્યું. રમણને તો ખાજ ઉપર લાગેલી સિંહણની માફક પાસેય છબવા ન દે. ઇન્દુભાઇ ! શું કહું ? - મારા ત્રીસ વર્ષના પુત્રને એ છોકરીએ તમાચો ખેંચી કાઢ્યો. અંદરથી સાંકળ બીડીને બેસી ગઈ. ત્રણ દિવસ ખાધુંપીધું નહિ. મેં એના બાપને તાર કર્યો. એ તેડી ગયો. ત્યારેથી આજ બાર મહિના થયા; નથી આવતી. માબાપ કહે છે કે, જોરાવરીથી લઈ જાવી હોય તો લઈ જાઓ - તમારું માણસ છે !"

"મુક્તા પોતે શું કહે છે ?"

"કાંઇ નહિ. બસ, 'નથી આવવું.' મેં કહ્યું, દાવો માંડીશ. એ કહે,