પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફાંસીએ કેમ નથી ચડાવતા ! અહીં, બસ, હાર્મોનિયમ બજાવે છે. ટોળાં ભેળાં કરે છે. જગબત્રીસીએ ચડી છે તોયે નફટ થઈને ફરે છે, હરે છે. મેળાવડાઓમાં ને ઉત્સવોમાં ભળે છે, ગરબે રમે છે. લોકો મોઢે ચડીને ફિટકારે છે તોયે નઘરોળની નઘરોળ ! હું ત્રણ-ત્રણ વાર તો રમણને તેડીને અહીં આવી ગયો. ત્રણમાંથી એક વાર માંડ માંડ રમણને એનું મળવું થયું. મેં રમણને ગોખાવી રાખેલું કે, 'પ્રથમ મીઠાશથી વશ કરવા મહેનત લેજે. પણ નરમ ઉપાય ન ચાલે તો પછી રાતી આંખ દેખાડજે'. બાજુના જ ઓરડામાં હું કાન દઈને સાંભળી રહ્યો હતો. રમણે ઘણું ઘણું પૂછ્યું કે, 'હું તને કેમ નથી ગમતો ? મારામાં તેં શી ખોડ દીઠી ? આપણે નવી મોટર લીધી છે. બાપા વાલકેશ્વરમાં બંગલો લેવાના છે'. પણા આખરે એ વંઠેલીને સાન ન આવી. છેવટે જ્યારે રમણે કહ્યું કે, 'હં ! તારે આંહીં કોઇ બીજું પ્રણયપાત્ર છે, ખરું ને !' એટલે તો સાંઢ જેવી એ છોકરીએ મારા રમણને બીજી લપડાક લગાવી દીધી. રાતી આંખ દેખાડતાં મારા રમણને ન આવડ્યું."

"માફ કરજો - પણ રમણલાલમાં કાંઇ કહેવાપણું તો નથી ના ?"

"રહો, બતાવું. બેટા રમણ ! આંહીં આવ જોઉં !"

અંદરથી કોમળ કંઠનો અવાજ આવ્યો: "આવ્યો જી !"

જુવાન દાખલ થયો. એના મુખ ઉપર નીતરતી નરી મધુરતા એની ઉમ્મરમાંથી પાંચ વર્ષોના પોપડાને જાણે કે ધોઈ નાખતી હતી. એ માંડ પચીસ વર્ષનો લાગતો હતો. અડકશું તો ભાંગીને ભૂકો થઈ જશે, એવું બિલોરી કાચનું બનાવેલું જાણે એનું બદન હતું. અંજનની પારદર્શક ડબ્બીઓ જેવી બે આંખો હતી.

"આ મારો રમણ !"

"આ ! પ્રો. ઇન્દ્રજિત આભા બની ગયા: "આ પુરુષ એને પસંદ નથી પડતો ? આટલી હદ સુધીની નફટાઇ ! હું કહું છું કે એને ચોટલે ઝાલી ઉઠાવી જાઓ." એમ કહી ઇન્દ્રજિત ઊઠ્યા.

"જોયું, રમણ ! ઇન્દ્રજિત જેવા પ્રોફેસરે આપણને ન્યાય કર્યો છે.