પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ હવે સમજાય છે. આ કંટાળો સ્વયં પ્રેરિત પ્રીતિ જેવો જ સ્વયંભૂ છે. હું ભલે ફૂલનો બનેલ હોઉં, પણ તારી આંખોએ મારા પ્રત્યેક રજકણમાં કીડા ખદબદતા દેખ્યા છે.

પરસ્પર વિનાદીઠ્યે થયેલાં અનેક લગ્નો પ્રેમભરપૂર નીવડ્યાં હશે; પરંતુ તેથી કરીને તારું ને મારું માબાપોએ તારથી કરી નાખેલ સાટું કશો બચાવ પ્રાપ્ત કરતું નથી.

તને ધૃણા હતી. દબાવી-ડરાવીને તારી જીભમાંથી 'હા' કઢાવવામાં આવી હતી. સંમતિ-લગ્નનો એ દંભ હતો.

તું કુલીનનું બાળ છે. હિન્દુ કાયદાની ગુલામ છે. વિવાહિત જીવનને ઠેલ્યે તારો ક્યાંયે ઉગાર નથી; જ્યારે હું પુરુષ તો પાંચ બૈરાં પરણવા પણ સ્વતંત્ર છું. આમ છતાંય તું નાસે છે, એટલે નક્કી કોઇ ભયંકર ધૃણાએ તને વલોવી નાખી હશે. મારી સાથેનું સહજીવન અસહ્ય થઈ ગયું હશે.

મારા બાપુ તને ચોટલે ઝાલીને ગુંડાઓને હાથે ઉઠાવી જવાની પેરવી કરે છે. મારા હાથના બીજા કોઇ કાગળથી ભોળવાઇશ નહિ. આ સાથે રૂ. ૧૦૦ની નોટ બીડું છું. ફાવે ત્યાં નીકળી જઈ રક્ષણ મેળવજે.

મારા તરફની આ ફારગતી ગણજે. અદાલતમાં જવું પડે તો આ દેખાડજે.

લિ. રમણ.

રૂ. ૧૦૦ની નોટ સાથે બીડેલા કાGગળનું પરબીડિયું ગજવામાં છુપાવીને રમણ બહાર નીકળ્યો. છેક ટપાલ-પેટી સુધી હિંમતભેર પહોંચી ગયો. પરબીડિયું અંદરના ગજવામાંથી કાઢીને પેટી સુધી હાથ લંબાવે તે પહેલાં તો એ હાથ પર કોઇની થપાટ પડી.

જુએ છે તો - બાપાજી પોતે !

પરબીડિયું આંચકી, ફોડી, અંદર સપાટાભેર નજર ફેરવીને પછી બાપાજીએ બીજી થપાટ ચોડી દીધી. કહ્યું: "ચાલ."

વળતે દિવસે જેને 'ચોટલે ઝાલીને ઉપાડી જવું' કહી શકાય એવી યોજના કરીને સુખદેવ સસરા પુત્રવધૂને મુંબઈ લઈ ગયા.