પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ વિવાડો માણવાની કોઇ અલૌકિક આત્મશક્તિ આ આર્ય જાતિના કલેવરમાં પડી હતી. પાસે શબ પડ્યું હોય તોયે વિવાહ તો ચાલુ જ હતા. જમી કરીને લોકો સ્મશાને જતા, સ્મશાનેથી આવીને જમણવારમાં જતા.

ઢોલીનો ઢોલ ચારેય પહોર ધ્રુસકતો હતો. વાઘરાંને, ઝાંપડાંને અને કૂતરાંને અધરાતે એંઠવાડ વહેંચાતો હતો. ગીતો બસૂરાં-બસૂરાં તોયે ગવાતાં હતાં. વાધ, ચિત્તા અને દીપડાનું કોઈ વૃંદ હોય તેવા વેશધારી બેન્ડવાજાંવાળાઓ ખાસ ત્રીસ રૂપિયાને રોજે રાજધાનીમાંથી આવીને ગામ લોકોની સમૃદ્ધિની સાબિતી આપતા હતા. સંગીતનો મિથ્યા મોહ કોઇએ રાખ્યો જ નહોતો.

બે છલોછલ ટ્રંકો ભરીને કપડાંલતાં સાથે મોરલીધર પરણવા ઊતર્યો. રાજથળી દરબારની ખાસ બે ઘોડાની ગાડી એને સ્ટેશને લેવા ગઈ હતી. પોતાના ગામના દેશાવર ગયેલા ભાઇઓ પૈકી જેની જેની સ્થિતિ સારી બંધાયેલી માલમ પડતી તેને તેને દરબાર આ રીતે ગાડી સામી મોકલવાનો શિરસ્તો રાખતા. મોરલીધરનાં સગાંવહાલાંઓ તથા ગામના આગેવાનો સ્ટેશન લેવા ગયેલ, ત્યાં પણ તેઓએ ચા-નાસ્તાની સગવડ કરી હતી. મોરલીધર લગ્ન કરવા ઊતરે છે એ સહુને મન મોટો બનાવ થઈ પડ્યો હતો. સ્ટેશનેથી ગામ પાંચ ગાઉ દૂર હતું, એટલે રાસ્તામાં પણ એક-બે ગામડાંને પાદરે ચાપાણીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

ગામના સોનીની બે દુકાનો હમણાં હમણાં રોજગાર વિના બેઠી હતી, તેને ધમધોકાર ઉધોગ ઊઘડ્યો. દેશના ચાલુ ઘાટ ઉપરાંત મોરલીધર હાથની બંગડીના અને પગના છડાના કેટલાક પરદેશી સુંદર નમૂનાનો પણ લાવેલ તે ફેશનના દાગીના તૈયાર થવા લાગ્યા. એવા નાના કસ્બાતી ગામમાં પરણેલી સ્રીઓથી કાનમાં એરિંગ ન પહેરાય. તે છતાં પણ મોરલીધરને આ ઝૂલતા, ફૂલોની મંજરીઓ જેવા, ગાલ પર ઝલક-ઝલક ઝાંય પાડતા અલંકારોનો બડો મોહ હતો, તેથી ગામ-લોકોથી કશું કહી ન શકાતું. ઊલટું એમ બોલાતું થયું કે, "હોય, ભાઈ; નસીબદારનાં ઘરનાં નહિ પે'રે તો પે'રશે કોણ બીજું ?"