પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ દેખીને તો ગામની બીજી બે-ત્રણ કન્યાઓએ પણ એરિંગોની હઠ કરી, અને માવતરોએ મોરલીધરની કુલીનતાની નકલ કરવામાં કશો જ વાંધો લીધો નહિ.

રોજની બેઠક ચાલુ થઈ. મોરલીધરને ઘેર ચાનું તપેલું ચારેય પહોર સગડીચૂલા પર ઊકળતું થયું. કેટલાક તો ત્યાં આવીને જ દાતણ કાઢતા.

ઔદિચ્ય બ્રાહ્મણોની ન્યાતનું નાક ગણાતા મહેશ્વર મહારાજ રોજ આવીને કહેતા કે, "આ વખતે તો મોરલીધરભાઇ પાસેથી લગનની ચોરાસી જમ્યા વગર છૂટકો નથી. નહિ તો અમે બ્રહ્માના પુત્રો લીલા માંડવા હેઠ લાંધશું."

મામલતદાર, કે જેને ભૂતનાથની માનતાથી પિસ્તાલીસમે વર્ષે પુત્ર સાંપડ્યો હતો. તેમણે આવીને જણાવ્યું કે, "જુઓ, શેઠ, અત્યારથી સવાલ નોંધાવી જાઉં છું કે ભૂતનાથની જગ્યામાં ત્રણ ઓરડા ખાલી રહેલ છે, તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા તમારે આ વેળા કરાવી આપવાની જ છે."

"ખુદ સાહેબ ઊઠીને વેણ નાખે છે, મોરલીધરભાઇ !" બીજા શેઠિયા બોલી ઊઠતા: "સાહેબનું વેણ કંઇ લોપાશે !"

એ રીતે સ્વામીનારાયણનું મંદિર એક વધુ ઘુમ્મટ માગતું હતું. પાંજરાપોળને ચાર દુકાનો ઉતારી હોટલોનાં ભાડાં રળવાં હતાં. અને તે તમામે આવીને મોરલીધરભાઇના લક્ષ પર આ માગણીઓ નોંધાવી દીધી. મોરલીધર એટલે ગામ-લોકોને મન તો સોનાનું ઝાડવું: સહુ ખંખેરવા લાગી પડ્યાં.

મોડી રાતે બીજા સહુ વીખરાતા ત્યારે દાક્તર સાહેબ એકલા જ બેસી રહેતા. મોરલીધરનો તમામ આધાર દાક્તર પર હતો. દાક્તર અનેક પુસ્તકો ઉથલાવીને, ફેરવી-ફેરવીને ડોઝ, પડીકી, માલીસનું તેલ વગેરે એકસામટી ત્રેવડી ઔષધિઓ આપતા. સૂર્યસ્નાન, શીર્ષાસન વગેરે કુદરતી ઇલાજો પણ ચાલુ કરવામાં આવ્યા હતા.

મોરલીધરનું આ નવું વેવિશાળ આટલી નાની વય છતાં પણ ત્રીજીવારનું હતું. ચાર વર્ષની અંદર જ એણે બે વહુઓના જાન ગુમાવ્યા હતા.