પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.દેખીતી રીતે આ એક દુર્ભાગ્યની ઘટના કહેવાય છે. તકદીરમાંથી બાયડી ખડે એ ગરીબ માણસને માટે આપત્તિની અવધિ જ છે; પરંતુ સુખી ઘરનો જુવાઅન અંત:કરણને અતલ ઊંડાણે એક ભયાનક ગર્વ અનુભવે છે એ શુ સાચી વાત હશે ? બે નીરોગી અને અલમસ્ત સ્રીઓનાં યૌવનનો ભુક્કો કરી નાખવો એ શું સામર્થ્યની વસ્તુ નથી ગણાતી ? છૂપુંછૂપું, ઊંડેઊંડે, એકાંતે, એકાદ મિત્ર સાથેના ઠઠ્ઠામાં `બહાદરિયો ખરો; બબેને શોષી ગયો !' એવું કંઇક બોલાય છે ખરું ?

ખેર ! મોરલીધરના જીવનની એ પાતળી ખીણમાં ડોકિયું કરવાની શી જરૂર છે ? અંદર જોતા તમ્મર આવે તેવી કૈક કંદરાઓ માનવીના પ્રાણમાં પડેલી છે. લોકોને તો ફક્ત આટલી જ ખબર હતી કે કાલીકટમાં એને એની બીજી વહુ અચાનક મરી ગયાના સમાચાર મળેલા, એટલે હરિચંદ નામના એના મહેતાની બહેન વેરેનું વેવિશાળ ત્યાં એણે પરબારું જ કરી લીધું હતું.

લગ્નની તિથિ જોવરાવવામાં હવે હરિચંદની જ વાટ જોવાતી હતી. હરિચંદના બાપનો કશો ધડો નહોતો. એ એક `રિટાયર' થયેલા સનંદી વકીલ હતા. અરધાપરધા સાગરઘેલડા હતા. કંઇક છાપાંબાપાં અને એલફેલ ચોપડીઓ વાંચવાની વધુ પડતી ટેવને કારણે વિચારવાયુ પણ થઈ પડેલો, અને ધંધામાં એક પ્રવીણ માણસને ન છાજે તેવા કેટલાક ચોખલિયા સિદ્દાંતો પણ એનામાં ઘર કરી ગયેલા. હાથમાં લીધેલો કેસ સાંગોપાંગ ચાલુ રાખવાની છાતી જ ન મળે. અરધેથીય જો માલૂમ પડે કે અસીલનો પક્ષ જૂઠો છે, તો ધગધગતા પાણીનું વાસણ જેમ કોઇ બાળક હાથમાંથી પાડી નાખે તેમ એ મહેરબાન ઓચિંતા એ કેસને પડતો મૂકતા. પરિણામે એના `જુનિયરો' હતા તેઓએ મેડીઓવાળાં ચૂનાબંધ મકાનો પણ કરી નાખેલાં, ત્યારે આ સિદ્દાંતીને ફક્ત મૂછોના ગુચ્છા તથા આંખો ફરતી કાળી દાઝયો સિવાય બીજું કશું જ વધ્યું નહોતું. ગામ લોકો એને રૂબરૂમાં `બાલીસ્ટર' કહી બોલાવતાં અને ગેરહાજરીમાં `વેદિયો' શબ્દે ઓળખતાં

ઘરમાં પણ એની કિંમત અંકાઇ ગઈ હતી. સ્રી એને નમાલો કહેતી. એક-બે વાર તો સ્રીએ એની ચોપડીઓ પણ ચૂલામાં નાખેલી. દીકરો