પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલી ઇજજત-આબરૂ પરદેશ ચરબી ચડાવનારી વિલયતી કંપનીનો પારસી મૅનેજર એક વણિકના પુત્રની જાનમાં એક ટંક આવે એ પ્રતિષ્ઠાએ કંઇ જેવીતેવી છે ! પોતે ગામમાં દાખલ થયો તે દિવસે વિવાડાના ઠાઠમાઠ અને ઉછરંગ જોતાં એને પણ `કૉંટો' આવી ગયો કે સહુનું ઝાંખું પડી જાય એવી જુક્તિ પોતે પોતાના ઘરનાં લગ્નોમાં જમાવશે. અનેકની આંખોમાં આજે ચંપાના અહોભાગ્યની અદેખાઇ થતી હશે, એ વિચાર અત્યારે હરિચંદના હૈયામાં ફૂલેલ ડોકવાળા કબૂતર-શો ઘૂઘવી રહ્યો હતો.

મેડે બેઠેલ બાપે હરિચંદને પાસે બોલાવ્યો; કહ્યુ: "ભાઇ, મારે એક વાત કહેવી છે."

"તમારે ચંપાના નવા સંબંધ વિષે કાંઇ જ કહેવાનું નથી. બીજું જે કહેવું હોય તે કહો."

"પણ, ભાઇ, આમાં બેનનો ભવ -"

વધુ ન સહેવાયાથી હરિચંદ ઊઠી ગયો. લગ્ન લખવા માટે એણે મહાજન તેડાવ્યું. બીજાંને ત્યાં ફક્ત ચા મળે છે પણ હરિચંદ તો કેસરિયાં દૂધનો કઢો પિવરાવવાનો છે, એ સાંભળીને મહાજનમાં ન ખપે એવા પણ ઘણા માણસો હાજર થયા. નીચે સ્રીઓ પણ ગાવા એકઠી મળી. મહાજનમાં પ્રશંસા ચાલી:

"હરિચંદે પણ નાની ઉંમરમાં નામના સારી કાઢી."

"બેનને ભારી ઠેકાણે પાડી ! ભાઇ હોય તો આવા હોજો !"

"નીકર, ભાઇ, આ ઘરનું કામ સો વરસેય સરેડે ચડે એવું થોડું હતું !"

"બાપ બચારા સાગરઘેલડો: સળી તોડીને બે તણખલાંય ન કરી શકે. ક્યાં છે બાલીસ્ટર, હેં હરિચંદ ?"

"મેડે બેઠા છે."

"બોલાવો તો ખરા ! દીકરીના બાપે હાજર તો રે'વું જોવે ને ?"

"એ વેદાન્તમાં ઊતરી ગયેલને આ સંસારી માયા ગમતી નથી." એમ વાતો થાય છે, અને જ્યાં નીચેના ઘરમાં પહેલું -