પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમે એને સાત પેઢીને શીદ આમ સળગતી આગમાં હોમી રહ્યા છો ?"

"પણ શું છે એવડું બધું, અરે બાલીસ્ટર !"

"તમે દાક્તરી તપાસ કરાવો."

"કોની ?"

"મોરલીધરની. તમે ડાહ્યાઓ કાં ભૂલો ? એટલુ તો વિચારો, કે એની પહેલી વહુને આખે શરીરે વિષ્ફોટકવાળું બાળક અવતરેલું; અને બીજીને ત્રણ કસુવાવડો થઈ હતી. એના રોગની કલ્પના તો કરો. મારી ચંપાને - મારી ફૂલની કળી જેવી ચંપાને રૂંવે રૂંવે ફૂટી નીકળશે, એની સંતતિને ય લાગી જશે. એનો છૂપો રોગ -"

સહુ સમજી ગયા હોય તેમ એક્બીજાનાં મોં સામે જોવા લાગ્યા.

"ચાં-દી." કોઇકનો ધીરો સ્વર ઊઠ્યો.

"મારી ચંપાને તમે પાલવે ત્યાં પરણાવો, હું આડો નહિ પડું. મારો હરિચંદ ભલે બહેનને વેચીને પોતાનો સંસાર બાંધે. પણ આ નરકમાં ! તમે કોઇ દાકતરી તપાસ કરાવો." પિતા પાગલની પેઠે રોતો હતો. "નીકર મારાને મારી ચંપાના તમને એવા કકળતા નિસાસા લાગશે કે તમારી બહેનો-દીકરીઓનાં ધનોતપનોત નીકળી જશે. હું જિંદગીમાં કદી રોયો નથી. મારું આ પહેલુ અને છેલ્લુ રોણું સમજજો તમે, મહાજનના શેઠિયા ! હજારો દીકરીઓના સાચા માવતર ! ઘરેણાં-લૂગડાંના ધારા બાંધો, લાડવા-ગાંઠિયાના ધોરણ ઠરાવો; પણ તમને કોઇને કેમ સૂઝતું નથી કે વર-કન્યાનાં શરીરની શી દશા છે !"

મહાજન થંભી ગયું હતું. તેમાં બે ભાગલા પડયા. બે સૂર ઊઠ્યા:

"શરીર-પરીક્ષાનું આ એક નવું તૂત, ભાઇ !"

"એમાં ખોટું શું છે ?"

"કાલ તો કહેશો કે, વરનું નાક ચપટું છે તે મોટું કરાવો."

"એમ વાતને ડોળો મા. ચાંદી-પરમિયાનો રોગી ચાય તેટલો પૈસાવાળો હોય તો પણ કુંવારો રહે."

"એ...મ ?" મોરલીધરના પક્ષકારોની આંખો સળગી: "કોને રોગ