પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે ! કોણ કુંવારો રહેશે ? કોણ કન્યાને સવેલી લઈ જવા માગે છે ? આવી જાય બેટો પડમાં."

"આ કકળાટમાં અમે લગન નહિ લખી શકીએ, ભાઇ !" એમ કહીએ મહાજન ઊઠી ગયું.

ઢોલી, બૈરાં અને પુરોહિત પાછાં ચાલ્યાં ગયાં.

હરિચંદ અને મા ચંપાને સમજાવવા લાગ્યાં: "તું તારે એમ જ કહેજે કે, બસ, મારે મોરલીધર વેરે જ પરણવું છે : ભલે એ રોગિયલ હોય. હું સતી છું. બીજા મારે ભાઇ-બાપ છે."

ચંપાની કાળી કાળી મોટી આંખોમાંથી જવાબરૂપે આંસુ ઝર્યા.

દક્તરી પરીક્ષા: દાક્તરી પરીક્ષા: વરકન્યાની દાકતરી પરીક્ષા: ઘરેણા-લૂગડાં અને કેળવણી કે કુલીનતા કરતાંય વધુ જરૂરી: એ મંત્ર ગામમાં રટાવા લાગ્યો. અનેક માબાપોએ પોતપોતાનાં પરણાવી રાખેલાં સંતાનોની ઊંડી વેદનાઓના તાગ લીધા, તો તળિયેથી આ ભયંકર વાતો નીકળી પડી.

પણ મોરલીધર આ વાત ઝાઝી ચર્ચાય એવું ઇચ્છતો નહોતો.

"મારે સર્ટિફિકેટ શા માટે લાવી આપવું ? શું ગામમાં એ એક જ કન્યા છે ? અરે, એની આંખ આંજીને એની છાતી સામે જ બીજી કોઇ પણ કન્યા લઈ આવું - ને એ ધૂળ ફાકતાં રહે. લાખ વાતેય મારે લગ્નનું મૂરત ખડવા દેવું નથી."

અને થોડા જ કલાકોમાં ચંપાના અંગ ઉપરથી ઘરેણાંનો ઢગલો ઊતરી ગયો, ને ગામના એક કરજદાર સટોડિયાની વીસ વરસની દીકરીના શરીરને એ જ આભૂષણો શોભાવવા લાગ્યાં. નક્કી કરેલાં મુહૂર્તે મોરલીધર ચંપાના ઘરની સામેને જ ઘેર નાખેલા માંડવામાંથી મૂછે તાલ દેતો ધરાર બીજી 'નસીબદાર' કન્યાને ગાલે પેલાં એરિંગો ઝુલાવવા ઉપડી ગયો, અને 'ભાગ્યહીન' ચંપા જોતી રહી ગઈ.

હરિચંદની સોહાગ-રાત્રિ તો આવી આવીને પાછી કેટલે દૂર ચાલી ગઈ !