પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભરમના કાળમાં જ મળે." - ટકોરો - "ભણી ઉતર્યા પછી તો બાંધી મૂઠી ઉઘાડી પડી જાય." - પાછો ટકોરો - "નોકરી સારુ ફાંફાં મારતાને કંકુને ચાંદલે કોઇ કન્યા દેવા ન આવે. પછી તો મૂઆ પડ્યા ! અથવા તો મળે કોઇ બોદો રૂપિયોઃ અવતાર આખો ઝેર થઇ જાય. ભનાભાઇ, એ કલ્પનાને ઘોડે ચડનારાને રહેવા દે. એ બધા એવા તો પડવાના છે ને, કે છોતરેછોતરાં ઊડી જશે. કેટલા કૉલેજવાળાઓ ગોટાળે ચડીને પાયમાલ થયા છે ! ઇચ્છા-લગ્ન ! પસંદગીનાં લગ્ન ! સ્વયંવર ! એ તો બધા શબ્દો જ મીઠા લાગે છે; અને અનુભવ તો ઝેર જેવા નીવડ્યા છે. આ જોતો નથી ? હું અને તારી મામી ફક્ત એકબીજાંના ફોટોગ્રાફ જોઇને જ પરણ્યા'તાં. પંદર વરસ વીતી ગયાં, છતાં એકધારો સંબંધ ચાલ્યો જાય છે ને ! એનું નામ ઇચ્છા-લગન ! લો ચાલો, સૂઇ જાઓ બે ઘડી. ઘાએ ચડો મા, અને થઇ જાઓ મુંબઇના વસવાટ માટે તૈયાર !"

ભનાભાઇના બરડામાં હાથ થાબડીને મામા પોતાના ઓરડામાં પેઠા. પાછળ મામી પણ ગયાં. ઓસીકે જઇ ઊભાં રહ્યાં. પૂછ્યું: "હેં, સાચું કહો છો ? કન્યા રૂપાળી તો છે ના ?"

"અરે, તમારા સમઃ નમણી છે. એથી રૂપાળી - વરથી વધુ રૂપાળી - વહુ જોવામાં માલ પણ નથી. અવતાર બગડે. અને મારે તો આ ભાઇસાહેબના મગજમાં કોઇક ભૂંસું ભરાવશે એવી બીકે લગન સાથોસાથ જ કરી નાખવાં હતાં. પણ બહેનનો જીવ કોચવાય, એકનો એક દિકરો કોળીનાળીની પેઠે પરણી લે છે એમ બહેનને લાગે, એટલે જ મેં છ મહિનાની ધીરજ રાખી છે. લો જાઓ, પધારો; સૂવા દો હવે નિરાંત કરીને." એમ કહીને બપોરના બાર વાગ્યે મામાએ માથા ઉપર કાશ્મીરી શાલ ઓઢી લીધી.

[2]

અઠવાડિયાંમાં તો મુંબઇથી ત્રણ ચાર તાર આવી ગયા. સસરાએ ભનાભાઇને જલદી તેડાવ્યા. મામા પરના કાગળમાં સવિસ્તર લખ્યું કે "મારી પેઢીમાં અત્યારથી જ બેસાડું તેથી તેમને હીણપ જેવું જણાતું