પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અશુભ અવસરે કેટલી કેટલી રકમના વધાવા અથવા ઝબલાં-ટોપી મોકલવાનાં છે તે વિષે સાસુ-સસરાની વાતચીતો: શાંતાનો કયો દાગીનો જૂનો થઇ ગયો છે, અને સોનીને ત્યાં એનો કયો નવો ઘાટ ઘડવા લઇ જવાનું છે, એની વાટાઘાટઃ બેંકમાં બાપનું, માનું, શાંતાનું એમ સહુનાં જૂદાં જૂદાં ચાલુ તેમ જ 'ફિક્સ્ડ ડીપૉઝીટ'નાં ખાતાં: દાકતરોનાં બિલઃ નોકરોના ફેરફારઃ દૂધવાળીનું દૂધ બદલવાની જરૂરઃ ભંગિયાણી રિસાઇ છે, અને બીજા કોઇ ભંગીને આવવા પણ નથી દેતી માટે મ્યુનિસિપાલિટીમાં ખબર આપવી જોઇએ તેની ચર્ચાઃ એવા વિધવિધ વાર્તાલાપોથી કુટુંબનું જીવન રસાયું હતું. ભાવિ વારસ પોતાની ભવિષ્યની મિલકતો ઉપર પ્યાર કેળવવા લાગ્યો. બેંકમાં જમાઇને નામે પણ અલાયદું ખાતું ખોલવવાનું નક્કી થયું. ખરેખર, ભનાભાઇના જમણા પગની ભાગ્ય-રેખા જોઇને પાંચ વર્ષ ઉપર રેખાશાસ્ત્રીએ ભાખેલી વાણી અક્ષરે અક્ષર સાચી પડી.

પેઢી ઉપર પણ 'આ પરદેશી રાજસત્તાના અમલમાં નીતિનો વેપાર ન જ કરી શકાય' એ જૂની માન્યતાઓના ચૂરેચૂરા થઇ જાય તેવી સચોટ દલીલો ભનાભાઇ કરવા લાગ્યા. એમણે સસરાના મિત્ર સાથે સ્વતંત્ર કામ આરંભી દીધું. પરંતુ એ રીતે ચાર-છ મહિનામાં બે-ત્રણ ધંધા બદલાયા, કેમકે વેપારીની અનીતિ અને કૂડ ભનાભાઇને ફાવતાં નહોતાં. ભનાભાઇની અણઆવડતનો દોષ બીજા દ્વેશીલાઓ કે અબુધો કાઢતા; પણ એ સાચો નહોતો.

પોતાનાં ઉચ્ચ નીતિ-તત્વોના માચડેથી એ સસરાની વેપાર પધ્ધતિ પર શરવૃષ્ટિઓ કરવા લાગ્યા. પ્રથમ-પહેલાં તો આવા સિધ્ધાંત-ભક્ત જમાઇને માટે સસરાના મંડળને મોટું માન પેદા થયેલું. પણ ધીરે ધીરે એમની મશ્કરી મંડાઇ ગઇ. પેઢીની ઉપરની જ મેડીમાં એમનો મુકામ હતો. તેથી રાત્રિએ ત્યાં સુનારા નોકરોચાકરો માટે ભનાભાઇ એક રમકડું બની ગયા.

શાંતાને તો ભનાભાઇ હવે કોઇ કોઇ વાર સસરા ખાસ ઘેર જમવા તેડી જાય ત્યારે જ જોઇ શકતા. કોઇક વાર શાંતા નિશાળેથી કંઇક કારણસર પેઢી પર આવતી ત્યારે દીદાર થતા. પેઢીના નોકર પાસેથી