પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભનાભાઇ શાંતા વિષે ઘણી માહિતીઓ મેળવતા. કોઇ વાર એને કવિતા લખીને મોકલતા પણ શાંતા બિચારી 'પૃથ્વી છંદ'માં લખેલ ગુજરાતી સૉનેટની -

કલાપ તુજમાં ગૂંથું સુમન વ્યોમ-ઊગી વેલનાં
ઉતારું શશિ-તેજની ફરફરંત ઝીણી ઓઢણી''

- એવી પંક્તિઓમાં ભરેલા નિગૂઢ અર્થો સમજી શકતી નહોતી. પૃથ્વી છંદ એને વાંચતાં પણ આવડતો નહોતો. એને તો ધૂન હતી પરીક્ષા પસાર કરીને વિદ્યા- પ્રવીણ થવાની. એ જવાબો મોકલતી, તેમાં લાગણીની ભાષા જ નહોતી. એ એક જ વાત પર ભાર દેતી કે, 'તમે હવે જલદી કોઇ લાઇન પકડી લ્યોઃ નકામો વખત ન ગાળો, મારે હમણાં સ્કૂલના ઉત્સવમાં સંવાદ ભજવવાનો પાઠ કરવાનો હોવાથી કાગળ નહિ લખી શકું તો માફ કરજો' વગેરે વગેરે.

આમ ભનાભાઇનાં બન્ને ફેફસાં ઉપર સોજા ચડવા લાગ્યા. એનો જીવ શાંતાના આવા જવાબથી ઊલટો ઊચક થઇ ગયો. પછી એના હૃદયમાં ઇર્ષ્યા જાગી ઉઠી. શાંતાના ભણતર માટે સસરાને આગ્રહ કરનાર પોતે જ હતો તે ભૂલી જઇ ને એણે હવે વાંધા ઉઠાવવા માંડ્યા કે, "આમ ભણ ભણ કરવાથી શરીર બગડશે... આ સંવાદો અને નાટકોમાં જાહેર પાઠ લઇને નાચવું એ બરાબર નથી... બૂટ શા માટે પહેરો છો ? ચંપલ અથવા સપાટ જ હોવાં જોઇએ. શાંતાને માથું ઉઘાડું રાખવાની ટેવ પડી છે તે મારા મામાને ઘેર કેમ પોસાશે ? એણે તો, ઊલટું, મામાની લાજ કાઢતાં પણ શીખવું જોઇએ. પોલકાંની બાંય આટલી બધી ઊંચી કેમ ચાલશે ? ને વાળ કપાળે જરા ઊંચા ઓળવા પડશે; નહિ તો મારી બાને આવા પાતરવેડા ગમશે નહિ.'

આવી-આવી સૂચનાઓ જ્યારે નોકરની મારફત પોતાના ભાવિ સ્વામીનાથ તરફથી આવવા લાગી, ત્યારે શાંતાનો શ્વાસ ઊડી ગયો. એ તો ઘડીઘડી ઘરમાં રડવા લાગી. માને આ બધી વાતની જાણ થઇ ત્યારે તેણે શાંતાના બાપુને કહ્યુ કે, "આપણે તો એમ સમજીને સગપણ કર્યું