પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે કે જમાઇ ને દીકરી આપણે ઘેર રહી આપણો વહીવટ કરશે. પણ આ માવડિયો તો મારી શાંતાને એના મામા અને મામીના કેદખાનામાં નાખવા માંગે છે. અત્યારથી જ આટલી ખોડખાંપણો કાઢી રહ્યો છે, તે પરણ્યા પછી શું નહિ કરે ? એ તો મારી દીકરીને કહેશે કે, પાણી ભરી આવઃ લૂગડાં ધોવા ગાંસડો બાંધીને નદી-કાંઠે જાઃ ને કાં પાંચ મહેમાનોનાં વાસણ માંજી નાખ. ના, બાપુ ! મેં મારી ખોટની દીકરીને એ માટે કેળવીને તૈયાર નથી કરી. મારે તો દીકરી દઇને દીકરો લેવો હતો."

આ રીતે શરમેધરમે એકાદ વર્ષ નીકળી ગયું છે. બહુ બજાવેલા ગ્રામોફોનની ચાવી ઉતરી જાય, બહુ ફેરવેલા સ્ક્રૂના પેચ ઘસાઇ જાય, બહુ લખેલી ટાંક ઠરડાઇ જાય એ રીતે ભનાભાઇની માનસિક શક્તિના આંટા પણ બૂઠા થઇ ગયા છે. એક વાર માર્ગ ચૂકેલો મુસાફર અનંત ભૂલભૂલામણીમાં પડી જાય, તે રીતે એને રસ્તાની ગમ નથી પડતી. એને સંદેહ પડી ગયો છે કે આખી દુનિયા મારી ઠેકડી કરી રહી છે. મિત્રો કે સ્નેહીઓ તો ઠીક પણ ત્રાહીત અણઓળખીતાઓ પણ જો કશી વાતચીત કરી હસી પડે તો ભનાભાઇને એમ જ ઠસાઇ જાય છે કે, એ સાલાઓ મારી જ કશી મજાક કરે છે. બીજી બાજૂથી, પોતે આવો ભોટ અને શાંતા શાળાના મેળાવડામાં પુરુષ-પાઠ કરીને તાળીઓના ગડગડાટ સાથે ઇનામ મેળવે, એ એને પોતાનું અક્ષમ્ય અપમાન લાગ્યું. એણે શાંતાને કહી મોકલ્યું કે, "આ બધું નહિ પોસાય".

બીજે જ દહાડે ભનાભાઇના મામા કામપ્રસંગે મુંબઇ આવેલા તેને સ્ટેશન પર વળાવવા જઇને શાંતાના પિતાએ એકાંતે ઊભા રાખીને વિનતી કરી કે, "મહેરબાની કરીને ચિરંજીવી ભનુને કોઇક લાઇન પકડી લેવા સમજાવો."

મામા બોલ્યા, "હવે વળી લાઇન શી પકડવી હતી ? તમારા જેવા સમર્થનો હાથ પકડ્યો છે ના !"

"ના, એમ તો નહિ ચાલે."

"કેમ ?"