પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરી મને પાછો વાળ્યો હશે. કેવું દયામણું મોં કરીને એ બેઠી હશે ! કેવું ઠપકાભર્યું મૌન ધારણ કરીને એ મારી સન્મુખ હૈયાફાટ રડી ઊઠશે ! એ ઠપકો હું શિર પર ચડાવીશ. આ વખતે મામા ગમે તેટલું કહેશે તો પણ હું કોઇ શ્રીમંતની કન્યા સ્વિકારવાનો જ નથીઃ ભલે ને કરોડોનો વારસો મળતો હોય. લલિતાનાં એક આંસુ ઉપર હું એ કરોડોને ઓળઘોળ કરીશ. આ વખતે મામાની દલીલો કે બાનાં ફોસલામણાં મારી પાસે નહિ ચાલે - નહિ જ ચાલે. ગરીબ, પિતાહીન પુત્રીનો પાલનહાર થવામાં મારું જીવન કુરબાન થજો ! હું શ્રીમંતોના ફાસલામાંથી બચીને પાછો ચાલ્યો આવ્યો એ સારું જ કર્યું.

આમ આ યુવાનના દિલમાં હજુ એવી ભ્રમણા હતી કે પોતે કોઇ ઉજ્જવળ કારકિર્દીને જાણીબૂઝીને જતી કરી પાછો ફર્યો છે. એ આવ્યો અને મામાએ જ્યારે કચવાટ દર્શાવી કહ્યું કે, "ભનાભાઇ ! ભાગ્યદેવીને ઓળખી ન શક્યા. હાથે કરીને હીરો ખોઇ બેઠા." ત્યારે ભાણેજે ભોં ખોતરતાં ખોતરતાં કહ્યું કે," તમે જ મને ધકેલ્યો હતો."

"મેં ! ના, તેં તારી પસંદગીથી જ વેવિશાળ સ્વીકારેલું, ભાઇ ! પણ આજકાલના જૂવાનિયાના મગજમાં રોજરોજ હજાર ઉધામા જાગે તેનું શું કરવું ? તેં જ ઉતાવળ કરી, ભાઇ ! નીકર તારે ટોંક-ટોંક કરવાની શી જરૂર હતી કે શાંતાએ આમ પહેરવું ને તેમ ઓઢવું ! આંહી આપણે ઘેર એક વાર આવી જાત, તો પછી એ બધી ઘેડ્યો આંહિ ક્યાં નહોતી પાડી શકાતી ! એક વાર આપણા દબાણમાં આવ્યા પછી આપણે ચાહે તે ઘાટ ઘડી શકીએ ને !"

આમ મામાને 'ઘેડ્ય' અને 'ઘાટ'નું સ્મરણ થયું, જીવનમાં આજે પહેલી જ વાર એને હાથે વાળેલી 'ઘેડ્ય' બગડી. સોપારીનાં ફાડિયાં આજે ખોરાં નીકળતાં હતાં.

"કશી પરવા નહિ. હવે મને મારા નિશ્ચયમાંથી ચળાવશો મા !" એટલું કહીને ભનાભાઇ જરીક વીખરાયેલે જુલફે, ઝભ્ભાના ગજવામાં હાથ નાખી, રાત પડ્યા પછી ગામ-લોક કોઇ ન દેખે તેમ ગામમાં ચાલ્યા ગયા,