પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને પીપળાવાળી શેરીમાં મહાલક્ષ્મીની દેરી પાસેની પોતાની પ્રિય ખડકીનું કમાડ ખખડાવ્યું.

પવનની લહેરીમાં પોતાના માથા પાસે કોઇ ખડખડાટ હસતું લાગ્યું. એણે ઊંચું જોયું: ટોડલા ઉપર આસોપાલવનાં પાંદડાંનું સુકાયેલું તોરણ જ અટ્ટહાસ્ય કરી રહ્યું છે. બારસાખની બન્ને બાજુ કંકુનાં તાજાં ત્રિશૂળો ને થાપાઓ છે. બારસાખ પરના ગણેશ તાજા સિંદૂરે રંગેલા છે. એ બધાં જાણે ભનાભાઇની સામે જાણે કે તાકીતાકીને જોતાં હતાં. તોરણનાં સૂકલ પાંદડાં કટાક્ષના સ્વરો કાઢી ખખડતાં હતાં. ખડકી ઊઘડીઃ "કોણ છે ?"

"ત્રિવેણીમાશી !"

"કોણ - ભનાભાઇ ! ઓહો, બાપ ! ક્યારે આવ્યા ? ઓચિંતાના ? બહુ સારું થયું." એમ કહીને વિધવાએ હેતનાં વારણાં લઇ દસેય આંગળીના ટચાકા ફોડ્યા. "આવો આવો અંદર !"

ભનાભાઇએ અંદર જતાં વિધવાના ઘરના ફાનસને ઝાંખે અજવાળે માણેકથંભ દીઠો. માંડવો જાણે તાજેતરમાં સમેટ્યો હોય એ બતાવતી વળીઓ ત્યાં પડી હતી. ગળું ખોંખારીને ભનાભાઇ કંઇ પૂછે તે પહેલાં તો ત્રિવેણીમાશી બોલી ઊઠ્યાં: "તમને કંકોતરી મળી હતી બેનની ?"

"કોની ?"

"લલિતાબેનની. બેનનાં લગન હજી ચાર મહિના ઉપર જ કર્યાં, બાપ ! હું જઇને બાને હાથોહાથ કંકોતરી દઇ આવી હતી. મને સરનામાની ખબર નહિ, અને બેન કહે કે, બા, જરૂર-જરૂર દઇ આવ્ય માશીને. તમને નહિ મળી હોય, ખરું !"

લલિતા પરણી ગઇ ! મારી થવા નિર્માયેલીને કોણ ચોરી ગયો ? મારી રાહ ચાર મહિના પણ ન જોવાઇ ! કોઇ ઘરડોખખ, કોઇ કૂબડો-કાણો, કોઇ રોગી દુરાચારી, કોઇ સંતતિ-ભૂખ્યો ધનવાન, આવો કોઇ કાગડો દહીંથરું ઉપાડી ગયો ! શું નાણાંની લાલચે માસીએ દીકરી વેચી મારી ! મારી તજેલીને બીજું ઠેકાણું તો ક્યાંથી મળી જ શકે ? માશીએ દીકરીને કૂવો દેખાડ્યો કે શું ?