પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉધ્ધારક બનીને દોડ્યો આવનાર એ યુવાન જ્યારે એક પલમાં આવી વિચાર-સૃષ્ટિમાં ગતિ કરી રહ્યો હતો, ત્યારે એને અડધું જ ભાન હતું કે માશી શું કહી રહેલ છે. માશી તો ભોળે ભાવે કહેતાં હતાં; પણ એવા જ નિર્મળ ભાવથી વરસતી ચાંદની જેમ કામાતુરને વગર ઇચ્છાએ દગ્ધ કરે છે, એ જ રીતે માશીનાં વેણ ભનાભાઇના કલેજા ઉપર એક પછી એક અંગાર ચાંપી રહ્યા હતાં:

"બાપુ ! તમે ક્યાંક ઠેકાણું ગોઠવી દેશો એવી આશાએ તો છ મહિના વાટ જોઇ. ગામલોકોએ તો ગિલા કરવામાં મણા ન રાખી. 'વાંકા સેંથાળી', ‘બૂટજોડાળી', 'પારસણ' વગેરે વેણની તો તડાપાટ વરસે. બેન બચા'ડી બાર ન નીકળી શકે. એનાં આંસુડાં કે'દીય ન સુકાય. રાતમાં ઝંખે ઝંખે તે કાંઇ ઝંખે ! આવી, આંગળી રોખી થઇ ગઇ. પછી મેં તો માડી, બધી પંચાત મેલીને અમારા તડા બા'રના એક જુવાનને જોઇ કાઢ્યો. બરાબર લલિતાની જોડ્ય મળી ગઇઃ એને બાપડાને 'હીણા કુળનો' કહીને કોઇ દેતું નો'તું, ને બેનને 'પારસણ' કહીને કોઇ લેતું નહોતું. મેં તો વર જોયોઃ બીજું કશું - ઘરેય ન જોયું ને કુળેય ન જોયું. ભાવનગરના છાપખાનામાં સાંચો હાંકે છે. રૂપિયા પોણોસો પરસેવો નિતારીને નીતિના રળે છે. સંચે બેઠેલો મેં જોયો, પણ કાળામશ લૂગડામાંય દેવના ચક્કર જેવી કાંતિ દીઠી. લલિતાનેય દેખાડ્યો. સામસામાં મન ઠરેલાં લાગ્યાં. કહું કે, ન્યાતનું ઘર જાય પૂછડાંમાં. આંખ્યું મીંચીને મેં તો કરી નાખ્યું. વિવા ટાણે ન્યાત સંપી ગઇ. કોઇ મારે ઘરે ન ડોકાણું. મેં કહું કે, ન આવો તો મારે શી સાડીબાર છે ! મેં એકલે હાથે ગારગોરમટી કરી, વડી-પાપડને સેવ વણ્યાં. પાંચ દીમાં વિવા પતાવ્યા. જમાઇને કહ્યું કે,"બાપુ, લૂગડાંના ગાભા લાવીશ મા ! શુકનની વાળી લઇને હાલ્યો આવજે. ચાનો વાટકો પીને વળતી ગાડીએ તેડી જજે ! પછી તારે ઘેર જઇ ભલે મારી દીકરીને સોને મઢજે કે અડવી ફેરવજે."

માશીએ અહિં શ્વાસ ખાધો,ને ભનાભાઇએ નિઃશ્વાસ નાખ્યો. માશીએ વાત આગળ ચલાવીઃ

"આ એમ પરણાવીને મેં તો મારી દીકરી વળાવી. પછી બે મહિના ભેળી