પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


કેશુના બાપનું કારજ


કંકુમાનું મોં કાળા સોગિયા સાડલાના ઘૂમટામાંથી બોલતું હતું. એ મોઢાનો અવાજ જાણે કબરના ખાડામાંથી આવતો હતો. એના હાથમાં ટપાલનું પત્તું હતું. "ભાઈ, આ વાંચ ને, બાપુ: શું લખ્યું છે ભાઈજીએ ?"

બાવીસ વરસના દીકરાનો મિજાજ ફાટી ગયો હતો. એ બોલ્યો: "બીજું શું લખ્યું હોય ! ભાઈજીને અને ગામની ન્યાતને તો ઝટ મારા બાપના લાડવા ખાવા છે. હજુ ચાર દિ‘ થયા. હજુ ચિતા તો બળે છે મારા બાપની, ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્યાં છે કારજ ખાવાનાં !"

"પણ તું વાંચ્ય તો ખરો !"

કેશુ કાગળ વાંચે છે:

"ભાઈ કેશવલાલ તથા અમારાં ગંગાસ્વરૂપ વહુ બાઈ કંકુને માલમ થાય જે માધભાઈનો ઘાસ ઘણો મોટો લાગ્યો છે. અમારી છાતી ભાંગી ગઈ છે. અમે સાંભળ્યું છે કે તમે ત્યાં આકોલામાં જ માધાભાઈની ઉત્તરક્રિયા કરવાનં છો. તો, વહુ, આ બહુ અઘટિત ગણાશે. કેશુની વહુનો ખોળો પણ ત્યાં દેશાવરમાં જ ભરી નાખેલો, તેનું મેણું ન્યાત અને કુટુંબમાં હજી બોલાય છે. તમારે અહીં દેશમાં આવીને કારજ કરવું જોવે. હજુ તમારે દીકરા-દીકરી પરણાવવાનાં છે. આપણું નામ વગોવાય છે. ગામમાં હલાતું નથી. અમારા માધાભાઈ જેવો દસ હજારની આબરૂવાળો જીવ -"

"હં, દસ હજારની આબરૂ !" કેશુએ કાગળ વાંચતાં વાંચતાં ધીરજ છોડી. "મારા બાપે મરતાં લગી પણ દસ હજારનો ભરમ સાચવી રાખ્યો એ પાપ મારે ભોગવવું રહ્યું. અંત સુધી ઓશીકા હેઠ હિસાબની ચોપડીઓ દબાવી રાખી. મોટાં ખોરડાં લેવાની વાતો કરી. ખોટેખોટી આબરૂ સારુ થઈને