પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૈસા ઉપાડીએ. બાકી, તારે બાપે મરતાંમરતાં જીભ કચરી છે કે, મારી વાંસે મેશુબ અને જલેબીની નાત કરજો, એટલે એની સદ્‌ગતિ તો કર્યે જ મારે છૂટકો છે."

કેશુ બે ઘડી વિચારમાં પડી ગયો. બાપને અને બાને આખો જન્મારો કૂતરા-બિલાડાનો જ સ્નેહસંબંધ હતો. પણ બાપ મૂઆ પછી બા બિચારાં બાપના જીવની સદ્‌ગતિ સારુ મથે છે !

કેશુ ઊઠ્યો. ઘરમાં ગયો. રાતી ટીબકીવાળા કાળા સોગિયા સાડલામાં સ્ત્રીનું લોહી વિનાનું શ્વેત, માંદલું અને શોકાતુર મોં મીઠું દેખાતું હતું. એ કાંઈ બોલતી નહોતી. બાના વેણ એણે સાંભળ્યા હતાં. એટલે ડોકમાંથી મગમાળા કાઢીને હાથમાં લઈને જ એ ઊભી હતી. પણ એના કલેજામાં સ્ત્રીના આ અવાચક અધીનતા એટલી કરુણ લાગી કે એણે મગમાળા દેવાની ના પાડી હોત તો પોતાને વધુ ગમત.

"તું આ એકાદ મહિનાનો કુટુંબવાસ સહન કરી લઈશ ને ? રોતાંકૂટતાં આવડશે ?"

"મહેનત કરીશ." ફિક્કા મોઢામાંથી હસતો જવાબ નીકળ્યો.

કેશુ, એની સ્ત્રી, બા, બે બહેનો ને એક ભાઈ સ્ટેશને ગયા. સાડાપાંચ ટિકિટોનો ખોબો એક રૂપિયાની જ્યારે ટિકિટની બારી પર કેશુએ ઢગલી કરી, ત્યારે કેશુને થોડીક કમકમાટી આવી ગઈ. ત્રણ દિવસની મુસાફરી દરમિયાન સહુ બાઘોલાં જેવાં બેસી રહ્યાં. બાનું ને ભાભીનું કાળા ઘૂમટામાં દટાયેલું મોં બાળકોને બિહામણું લાગતું હતું. છોકરાં જરીકે હસતાં કે આનંદથી વાતો કરતાં એ બાથી સહેવાતું ન હતું. વહુએ એક વાર છૂટો શ્વાસ લેવા સારુ બારીમાં ડોકું રાખીને ઘૂમટો ઊંચો લીધેલો કે તરત બાએ ટપારેલું કે, "માડી ! ચાર દિ‘ તો સમતા રાખીએ ને ! કાગડો-કૂતરો નથી મૂઓ : સસરો હાલ્યો ગયો છે."

તે પછીથી આખી મુસાફરીમાં વહુએ ઉધરસનાં ઠસકાં છેક ગળે આવેલાં તે પણ ચાંપી રાખ્યાં હતાં. કેશુ મોટે મોટે સ્ટેશને ગરમ ભજિયાં લાવીને બાને આગ્રહ કરી કરી આપતો. ખાતાં પહેલાં બા થોડુંક રડતા