પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુરુષ બોલે તે પહેલાં તો એ વેદનાથી લોચી રહેલી બાઈ બોલી ઊઠી કે, "ગાંડી નથી, બાપુ ! રોગ છે. પેટમાં પોરની સાલથી રોગ ઊપડ્યો છે. રે'વાતું નથી. રાજકોટ જાયે છૈયેં."

"દવા કરી ? કોઈને દેખાડ્યું ?" વિદ્વાન પુરુષે મોઢા ઉપર કંટાળો, કુતૂહલ અને કરુણાના રંગો બતાવ્યા.

"દવા ? માણસુંએ બતાડી તેટલી સંધીય દવા કરી: સાકર પીધી, ધાણા પીધા, ધરાખ પીધા, મારાં કડલાં હતાં તે વેચીને ગાયનું ઘી પીધું, ગૂગળ ખાધો, સૂંઠ ખાધી..." એવાં એક શ્વાસે પચીસેક નામ દઈને બાઈ કે': "વાનાં-માતર ખાધાં-પીધાં. પીપળવા ગામની એક લંઘણ્યની નામચા સાંભળીને એની પાસે ગઈ. ઈ કહે કે, પંદર રૂપિયા મોર્યથી મૂકો. અમે અમારી ગા વેચીને રૂપિયા પંદર જોગવ્યા. લંઘીએ કાંઈક મંતરેલું પાણી પાયું...પછેગામના વૈદુંમાં રૂપિયા દસ વાવર્યા. પણ, બાપા..." બાઈના પેટમાં વઢાતું હતું... "આ રોગ મટ્યો નહિ. એહ, આમ જોવોને... આંઈ પેટ માથે ડામ સોત દેવરાવ્યા." એમ કહીને બાઈએ પેટનો ભાગ ખોલી દેખાડ્યો.

ગાંડી માનીને પ્રથમ હસતાં હતાં તે ઉતારુઓને બાઈની આ નિર્લજ્જતા દેખીને શરમ આવી. સહુ એકબીજાંની સામે જોવા લાગ્યાં. પછી વળી અનુકંપા દેખાડી કે, "અરે બાઈ, દેઈનાં દરદ તો દેઈમાં જ સારાં. બારાં નીકળ્યાં દોયલાં છે, બાપા ! ઈશ્વરની લીલા અગાધ છે."

દરમિયાન 'ગુરુ મહારાજ'ની ચલમના ગાંજામાંથી ધુમાડા પથરાતા હતા. સાંઈમૌલાની લીલી કુટુંબ-વાડીમાં એક પછી એક મુખે એ એક બીડી, ગરબે ઘૂમતી સ્ત્રી જેવી, ગોળ-કૂંડાળે રમતી હતી. બીમાર બાઈ ગૂંચળું વળતી હતી: ચોમાસાની ઋતુમાં રસ્તે ચગદાતા મામણમૂંડા કીડા જેવી જ છટાથી એનું શરીર વળતું હતું.

"તે હવે ક્યાં જાઓ છો ?"

પુરુષ કે જેના ચહેરા ઉપર કશી લાગણી જ ઊઠતી નહોતી, તેણે કહ્યું: "આ લીંબડીની નરસને દેખાડ્યું, તે કહે રાજકોટ ગોરા સરજન કને જાવ. ગામના મા'જને ચાર રૂપિયા ઉઘરાણું કરીને ટિકિટના દીધા. જઈને