પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉમેરો એટલે પચાસ ગાઉ ફરતો ડંકો વાગી જાય !"

"ગગી !" બાએ સંભળાવ્યું: "ભાઈજીને કહે કે આંહીં ઓરડામાં આવે. પેટછૂટી એક વાત કહેવી છે."

પીતાંબર ડોસા અંદર જઈને બેઠા. બોલ્યા: "મારામાં વિશ્વાસ રાખજો. મારું પાણી મરે નહિ. જે કહેવું હોય તે કહો. જે આંટીઘૂંટી હોય એનો આપણે ઉકેલ કરીએ."

"ત્યારે, ગગી, ભાઈજીને કહે, કે તમારો ભાઈ ગમે ત્યાં ક્યાંક બધું ઠેકાણાસર મેલીને તો સૂતા છે; પણ ચોપડાનો હેરફેર થઈ ગયો છે. ઠેકાણાની ખબર નથી. અટાણે નાણું હાથવગું નથી. ઈ બધું હાથ આવે ત્યાં સુધીની જોગવાઈ જો હમણાં થઈ જાય તો હું તમારા ભાઈનું મોત હરકોઈ વાતે ઊજળું કરવા તૈયાર છું."

"અરે રામ ! વહુ ! દીકરા ! વખત ખરાબ છે. અગાઉના જેવો અમારો કાળ હવે રહ્યો નથી. બીજે ક્યાંક વેણ નાખવા જાયેં એમ મારું ધ્યાન પડતું નથી. ઘરમેળે સમજીએ તો જ ઠીક."

"તો એમ."

"કહું ? દુઃખ નહિ લગાડો ને ? મારે કાંઈ અવિશ્વાસ નથી. પણ વે‘વારે વાત કરવી પડે છે, આ ખોરડું હું થાલમાં રાખું - હું પોતે જ રાખું. પાંચસો રૂપિયા ગણી આપું. મારે કાંઈ ખોરડું જો‘તું નથી. ખોરડાનાં બટકાં ભરાતાં નથી. તમે તમારે રહો છો તેમ રહો. ફક્ત તમે ને કેશુ દસ્તાવેજ કરી આપો. વેળા કઠણ છે. મારા છોકરાં માંડી વાળેલ છે. સાત પેઢીની શરમ ઘડીવારમાં ધોઈ નાખે તેવા છે એટલે જ હું દસ્તાવેજનું કહું છું. કહેતાં તો ઘણીય જીભ કપાય છે."

થોડી વાર સુધી તો ઘરમાં જાણે કોઈ શબ પડ્યું હોય તેવી શૂન્યતા પ્રસરી રહી. પીતાંબર ભાઈજીએ પાછું કહ્યું: "ને, વહુ, દીકરા, એક મુદ્દાની વાત મને સાંભરી આવે છે. પણ પાંચમે કાને વાત પોં‘ચવી ન જોઈએ."

"છોકરાંવ ! તમે મેડી માથે જાવ !" એમ કંકુમા છોકરાંને દૂર કરી, ઘૂમટો રાખી બેઠાં. પીતાંબર ભાઈજીએ આજુબાજુ જોઇ, લાંબી ડોક કરી