પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યારે એ સ્ટેશન જવા નીકળ્યો, ત્યારે ગામ-પરગામથી ભેગા થયેલા પચાસ બ્રાહ્મણોએ એના ગાડાની પાછળ દોડીદોડીને "હે સાળા ઓટીવાળ ! સાળાએ કુળ બોળ્યું ! સાળાની પાસે બામણને દેવા પૈસા નો‘તા ત્યારે કારજ શીદ કર્યું બાપનું ? જખ મારવા ? સાલાની બાયડી રસ્તામાં અંતરિયાળ જ રે‘જો !" એવાંએવાં બ્રહ્માસ્ત્રો છોડ્યાં.

ગામે પણ એ જ વાત કરી: "મૂરખે આટલા સારુ થઈને કર્યા-કારવ્યા ઉપર પાણી ફેરવ્યું."

બબલા શેઠનું વેવિશાળ તો વચ્ચેથી કોઈ બીજો જ ઝડપી ગયો, એટલે વિમુડી બિચારી ઠેકાણે ન પડી શકી.

એક મહિનો જવા દઈને પછી પીતાંબર ભાઈજીએ કંકુમાને કહેવરાવ્યું કે "મારા છોકરાઓને સંકડાશ પડે છે. નાનેરાની વહુ આણું વાળીને આવી ગયાં છે. એટલે કંકુવહુને કહો કે ત્યાંથી ફેરવી નાખે. આપણા એકઢાળિયામાં ઓરડી છે ત્યાં રહેવા આવી જાય."

થોડાક દિવસ પછી પીતાંબર ભાઈજીની ગાય વિયાણી, પણ વાછડી મૂએલી અવતરી. દીકરીઓનાં નાનાં છોકરાં માંદાં પડવા લાગ્યાં. વધુ શંકાનું કારણ તો ત્યારે પડ્યું, જ્યારે દીકરીનો ભાણો તાવમાં પડ્યો.

ખૂણો પાળતી ઘરડી વિધવા અમસ્તીયે ઘર-આંગણામાં આઠેય પહોર ને સાઠેય ઘડી કોને ગમે ? ઉપરાંત પાછો સહુને વહેમ ભરાયો કે કંકુમાનાં પગલાં સારાં નથી.

એક દિવસ કંકુમાએ કારજના ખર્ચનો હિસાબ ચોખ્ખો કરવાની વાત ઉચ્ચારી, એથી પણ ભાઈજીને ઓછું આવ્યું.

ટૂંકામાં, કંકુમાને એકઢાળિયાવાળી ઓરડી ખાલી કરવી પડી. નજીકમાં કોળી-ખેડૂતોનો પા હતો, ત્યાં ઊકા પટેલે એક ખોરડું કાઢી આપીને પોતાના જૂના ભાઈબંધ માધાભાઈનો મીઠો સંબંધ જીવતો કર્યો. ઉકા પટેલ ખેડૂત હતા, એટલે વનસ્પતિના જૂના, સુકાઈ ગયેલા રોપાને પણ ગોતીગોતી પાણી સીંચીને પાછો કોળાવવાનો એનો સ્વભાવ પડી ગયેલો. કંકુમા ને