પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાગતરખાને પડશું."

"હા, બાપા !" બાઈ બોલી: "મારાં તો પૂરાં પાપ ઊવળ્યાં છે. પણ મારાં છોકરાંના ભાગ્ય હશે તો પાછી આવીશ."

"છોકરાં છે ! કેવડાં છે ?" વિદ્વાનને ધૃણા આવી. 'બેકારો પણ બ્રહ્મચર્ય ન પાળે !' એ એના આત્માની ઊંડી વરાળ હતી.

"એક તો મારી પોટી ધાવણી છે. ચાર અવડ્યાં-અવડ્યાં છે..." બાઈએ ભોંયથી એક-બે ફૂટ ઊંચે હાથ રાખીને, વનસ્પતિના રોપા બતાવતી હોય તે રીતે, ખ્યાલ આપ્યો. "ઘરમાં એક મણ દાણો નાખી આવ્યાં છીએ. હળુ-હળુ રાંધીને ખાશે."

વિદ્વાનના હાથમાં ચોપડી હજુ બંધ હતી. એણે સલાહ આપી: "નડિયાદ જાવ ને ! મીરજ કાં નથી જતા ? ત્યાં વાઢકાપનું દવાખાનું છે."

બાઈ અને એનો ધણી આ બોલ સાંભળીને તાકી રહ્યાં. ભાષા કંઈક અજાણી હોવાનો વહેમ પડ્યો.

બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા સાંધાવાળાથી ન રહેવાયું: "હવે મીરત્ય ને ફીરત્ય, રાજકોટ ને નડિયાદ... કોણ બેટીનો બાપ આવરદાની દોરી સાંધવાનો હતો ? આવા અબધૂતનાં પગું ઝાલી લ્યો ને !"

ફકીરથી ન સહેવાયું: "દાતારની ટેકરીને માથે કૈક ઓલિયા પડ્યા છે. મીટ્યું મળ્યે મુડદાં ઊઠે."

જેના કાળા રંગની ઝાંય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આઘેરી બેઠી હતી, તેમાંથી એક બોલી: "અરે બાઈ ! આંઈ અંતરિયાળ શું ઉપાય ! કંડોરણે આવે તો એક દિ'માં ફેર દેખાડીએ. ન મટે શું ! કૈકને મટાડ્યાં છે."

વઢવાણ સ્ટેશને સહુ વિખરાયાં. રહ્યાં ફક્ત ત્રણ જણાં: એક વિદ્વાન, બીજો બગોયા ગામનો બોખો સામત કોળી, ને ત્રીજી પોટીની મા સજૂડી. સજૂનો ગૂંચળાકાર હજુ ચાલુ જ હતો.

"સામત પગી !" વિદ્વાને 'ઇન્સાફના આર્તનાદ'ની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અધ્યારી વચ્ચે મનને માંડમાંડ વારીને વાતો