પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરત જ એ ઘરની અંદર પેસી ગયો. ખડકીમાં બેઠેલા એના કુટુંબી, કાકા, મોટાબાપા ફાટી આંખે જ જોઈ રહ્યા, કે આ છોકરો નથી મોં ઢાંકીને રોતો: નથી પૂછવાય રોકાતો કે, મારા ભાઈને શું થયું: નથી બૈરાંને ખબર આપતો કે જેથી એ બધાં મોં વાળે: પરબારો "ભાભી ! ભાભી ! ભાભી ક્યાં !" એવા ગાંડા અવાજ કરતો એ રાંડેલી જુવાન વહુના ઓરડામાં દોડ્યો જાય છે. એની આંખોમાં લાજ-શરમ કે વિનય નથી. અવસરની ગંભીરતા એ સમજતો નથી.

"ભાભી ! ભાભી ! મારાં ભાભી ક્યાં !"

બારી-બારણાં બીડેલા એ કાળા ઓરડાને ઊંડે ખૂણે એક આકાર બેઠો છે. નથી હલતો કે નથી બોલતો. છાપરા ઉપરના સહેજ ખસી ગયેલા નળિયામાંથી જરીક જેટલું - આંખની કીકી જેવડું ચાંદરણું પડે છે. એના ઝાંખા અજવાળામાં દેખાય છે બુટ્ટાદાર રેશમી સાડલો: કોઈ પીરની કબર પર ઓઢાડેલી સોડ્ય સમાન નિષ્પ્રાણ ને નિશ્ચલ. અંદર કોઈ શ્વાસ લે છે તેટલા પૂરતું જ જાણે એ કફન હલે છે.

"ભાભી ! ભાભી ! ભાભી ક્યાં !" હિંમતનો સ્વર ફાટી ગયો. ઓરડામાં હજાર શબો સૂતાં હોય તેવી નીરવતા હતી. ફક્ત એ રેશમી સાળુના ઓઢણા નીચેથી જરીક સંચાર થયો. અંદરના કલેવર ઉપર કંઈક રણઝણાટ થયો. એ હતો સોના-રૂપાના દાગીનાનો ઝંકાર. કલેવર હતું તેણે કેવળ નિઃશ્વાસ જ પડતો મૂક્યો. કોઈ શક્તિધર્મીઓના ગુપ્ત દેવી-થાનકનો જ આ દેખાવ હતો. કોઈનો જાણે ભોગ દેવાતો હતો. ઓરડો કદાચ હમણાં ચીસ પાડશે એમ ધારીને કોઈકે જાણે એને મોંએ ડૂચો દીધો હતો. ઓરડો રૂંધાઈ ગૂંગળાતો હતો. એનું અંગે-અંગ તાવમાં તપતું હતું.

ઓચિંતો સોનાનાં કડાં પહેરેલ એક હાથ એના કાંડા પર જોરથી પડ્યો. એ ઝબકીને ફર્યો. ઘૂમટે ઢાંકેલ એ બીજી આકૃતિ હતી. એ હિંમતનાં ફઈબા હતાં. ફઈબાએ કહ્યું: "તને કંઈ ભાન છે કે નહિ ? પાધરો ’ભાભી’