પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયાં. અમારે છાજિયાં લેવા સારુ ઊભા થઈ રહેવું પડેલું. પછી અમરતમાએ ત્રાડ નાખી કે, ’તમે બધાં વહુને પંપાળો છો શા સારુ ! હાથ ઝાલીને ઊભી કરો, આંહી લાવો અને નાખો આપણી સહુની વચાળે !’ આ એમ છાજિયાં લેવરાવ્યાં‘તાં. પછી તો, બેન, તમે આવીને એને બરાબર ચાલાક કરી દીધાં છે. હવે વાંધો નહિ આવે."

"લાડકો ખૂણો છે, બાઈ ! મારી કાયા બેઠી છે ત્યાં લગી તો કચાશ નહિ રહેવા દઉં."

કાળા સાડલામાં ઢંકાયેલું એક બીજું શરીર હાથમાં તપેલું લઈને અંદર આવ્યું. પણ મોં ઢાંકેલું હતું. એણે કહ્યું: "દસ વાગી ગયા, બેન ! રોટલી ઊતરે છે. મહેમાનને હવે જમવા બેસારી દેશું ને ? આ તપેલામાં ઘી કાઢી દેજો."

"વહુ ! ઘી કાઢી દેજો તમારે હાથે. ડબો તમારે પડખે જ પડ્યો છે."

’લાડકો ખૂણો’ માણનારીએ ઘીનું તપેલું ભરી દીધું.

"વાહ ! કૂરિયા જેવું ઘી: ભારે ફરસું !" એક જણીએ ઘૂમટામાંથી નીરખીને ઘી વખાણ્યું.

"મે‘માનને મોઢે તો ઘર પ્રમાણે દેવું જ જોવે ને !"

એમ કહીને ફઈએ સહુને જમવા ઉઠાડ્યાં. ઓરડામાંથી જાણે ભમતાભમતા ઓળા નીકળ્યા. ઓરડો ખાલી થયો. એ પ્રેતસૃષ્ટિ પૈકીનો એક જ બુટ્ટાદાર સાડલો ’લાડકા ખૂણા’માં શ્વાસ પણ ગભરાઈને ખેંચતો બેઠો રહ્યો. એના મોં ઉપર, એની આંખોમાં, એના અંતરમાં શું શું થતું તે અગમ્ય જ રહ્યું. કવિની કલ્પના કે ગ્રંથકારની આલેખન-શક્તિ ન ભેદી શકે એવાં જે ગાઢ ઊંડાણો છે, તેમાં ’લાડકો ખૂણો’ તો સહુથી વધુ અતલ અને અંધકાર ભર્યો છે. એ ઓળાના માથા ઉપર માત્ર એક ચાંદરણું - આંખની કીકી જેવડું નાનું ચાંદરણું - નીરખી રહ્યું હતું. આકાશ જાણે માનવીનાં છીદ્રો જોતું હતું.

રસોડું ગાજે છે - દાળશાકના નહિ, પણ ઘીના સબડકાથી ગાજે છે. કુટુંબની નાનેરી વહુઓ રોટલીઓ ઉતારે છે. એક પછી એક એ ફળફળતું