પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફુલકું ઘીના ભર્યા તપેલામાં ઝબોળાતું જાય છે. ઝબોળવા બેસનાર પણ દિવાળી ડોશી છે. (ઘરનું માણસ ઘી ઝબોળવા ન બેસી શકે; એને હાથે સંકોચ થવાનો સંભવ છે.) ઝબોળ્યા પછી પણ ઘી નીતરી ન જાય તે સારુ ફુલકું ચારેય બાજુથી ઝાલીને, વચલા ખાડામાં ઘી સહિત, મહેમાનની થાળીમાં ફગાવાય છે. થાળીમાં એ ઘીનો વીરડો એક બાજુ ભરાઈ રહે તે સારુ દરેક મહેમાન થાળીને પગના પોંચા ઉપર ટેકવે છે. વીરડામાં બોળાઈ-બોળાઈને બટકું લાંબા ઘૂમતા સોંસરવું થઈને એ શોકાર્ત મોંમાં સબડકો ગજાવતું સમાઈ જાય છે. રોટલી ઝબોળવા બેઠેલ દિવાળી ડોશી વચ્ચે ટપારે છે કે, "ચૂલે રોટલી કોણ ઉતારે છે, ભા ! એને કે‘જો કે રોટલી મોટી થાય છે: સમે ફેરે ઉતારો."

રસોડાની સામે જ ’લાડકા રંડાપા’વાળો ઓરડો હતો. એની આરપાર બીજે છેડે નાની બારી હતી. બારી બંધ હતી. પણ એની ચિરાડમાંથી કોઈક ગૂંગળાતો અવાજ માંડમાંડ પેસતો હતો: "ભાભી ! ઓ ભાભી ! ભાભી !"

ભાભીના આખા દેહને ભુજપાસમાં દાબીને ’લાડકો ખૂણો’ બેઠો હતો. એણે ભાભીની ગરદન ચાંપી રાખી હતી.

ચિરાડ સોંસરવો રૂંધાતો એ ગદ્‌ગદિત અવાજ ફરી વાર બોલ્યો: "ભાભી ! આ બધું શું થઈ ગયું ! ભાભી, મારે એક વાર તમારું મોઢું જોવું છે. આ તરડમાંથી મને જોઈ લેવા દો."

ને રસોડામાંથી સબડકા સંભળાતા હતા: દાળના નહિ, ઘીના.

[2]

મોં-સૂઝણું હજુ નહોતું થયું. અજવાળી પાંચમના પરોઢિયામાં કેવળ તારાઓ જ જાગતા હતા, અને છાતી સોંસરી જાય એવી કારમી ટાઢમાં એકલા અભરામનો જ ટપો પહેલો ફેરો નાખવા નીકળ્યો હતો. ફઈ જાગી ગયાં. વહુની પથારી ખાલી દીઠી. પોતાના પહેરામાંથી ખૂનનો તોહમતદાર ગુમ થયો દેખીને પહરેગીરને જે ફાળ પડે, તે જ ફાળ ફઈને પડી. ઓસરીમાં કંઈક ઝીણો બોલાસ સંભળાયો. ફઈ ઊભાં રહ્યાં. ઝાંખે દીવે ફઈનું ફાળે ગયેલું ને વાળ વીંખાયેલું મુખમંડળ વહુને પોતાના ઝીણા વાયલના નવાનકોર