પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘૂમટામાંથી પણ વિકરાળ દેખાયું.

"ક્યાં ગયાં‘તાં ?"

"શેરીમાં દિશાએ બેસવા."

"એકલાં ? રસ્તે લોકોનો અવરજવર મંડાઈ ગયા પછી નીકળાય ?"

"શું કરું ? હું બે દા‘ડાથી અકળાતી હતી. પેડુમાં ને પેટમાં વાઢ્ય આવતી હતી. ઘરમાં નથી વાડો કે નથી આડશ. ફળીમાં ઘોઘોભાઈ સૂતા છે. ક્યાં જાઉં ?"

"બા‘ના આપવાં હોય તો હજાર આપી શકાય. વરસ જેવડી શિયાળાની આખી રાત પડી‘તી, તેમાં ક્યારેય વખત ન મળ્યો, તે ઠેઠે સવારને પો‘ર શેરીમાં ગયાં ? ને તેય એકલાં ?"

"તમે ભરનીંદરમાં હતાં. રાતે બાર બજ્યા પછી તો બાઈઓ ઊઠી. તે પછી પણ શેરીમાં તો અવરજવર ચાલુ હતો. તમે ના પાડી; કહ્યું કે, એક કલાક પછી જાશું. પછી તમને ઝોલું આવી ગયું. હું કેમેય કરી સૂઈ ન શકી. પેટ ને પેડુ બેયમાં વાઢ્ય આવતી‘તી. માથું ફાટતું‘તું. તમે હમણાં જાગશો, હમણાં જાગશો, એમ થતું‘તું. પછી મારીય આંખ જરીક મળી. મને બહુ બીકાળાં સ્વપ્નાં -"

"હવે તમારાં સ્વપ્નાંની પરડ મારે ક્યાં સાંભળવી છે ? તમે આટલાં મોડેરાં અને એકલાં શેરીમાં ગયાં, એમાં આપણું મા‘ત્યમ નહિ. બૈરાંની જાતને મન અને શરીર ઉપર કાબૂ તો હોવો જ જોઈએ ને ? એમાં હાજત દબાવવાથી ક્યાં મરી જવાનાં હતાં ! આ અમારા સામું તો જોવો ! આપણા કુટુંબમાં જ તમારી નજર સામે પચાસ તો રાંડીરાંડો છે. અમે બધાં પણ બાળરંડાપા જ વેઠીએ છીએ ને ! અમારે તો લાઠીની શૂળી જેવાં સાસરિયાં હતાં. મારા સસરાનું તો નગરશેઠનું ખોરડું હતું. આખી રાત ને આખો દી છ-છ મહિના સુધી ઘરમાં ને ડેલીમાં માણસોની ઘમસાણ્ય બોલતી. પણ પૂછી જોજો જઈને: કોઈએ આ તમારી ફઈજીના લાડકા રંડાપામાં ક્યાંયે રજતલ જેટલીયે એબ દીઠી છે ? મન ઉપર અંકુશ રાખવા દોયલા છે. આજકાલનાં નાનડિયાનું ગજું નહિ. અસલી ગજાં જ નોખાં. તમને કાંઈ