પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયું ? એકલાં લોટો ભરીને હાલી નીકળ્યાં શેરીમાં !"

વહુના મોંમાં જીભ જ ન રહી. એને પણ દિલમાં પસ્તાવો થયો કે પોતે ભૂલ કરી છે. એને હવે યાદ આવ્યું કે અભરામનો ટપો છડિયાં લઈને જ્યારે રસ્તા ઉપર નીકળ્યો હતો, ત્યારે મારું કોરું પહેરેલું વાયલ તો તારોડિયાના તેજમાં ચોખ્ખું દેખાઈ ગયું હશે ને ! અભરામ ટપાવાળાનાં છડિયાંએ મને ઓળખી લીધી હશે ને ! અરેરે ! એ બધાં મારા માટે શું ધારશે ? એ બધાં કેટલે ઠેકાણે મારી વાતો કરશે ? અત્યારે સ્ટેશન પર પણ મારી વાતો થતી હશે ને ? સવારે ગામમાં ખબર પડશે તો ? લોકો મારા ઉપર કેવકેવા વહેમ લાવશે !

"ને હજી તો આવા દસ મહિના ખેંચવાના છે." ફઈએ યાદ આપ્યું: "અત્યારથી હૈયું હારી બેઠે ખૂણો પળાશે ? કોળીવાઘરી જેવું કહેવાશે. આપણી જાત કોણ ? ખોરડું કયું ? તમારે સગાં કેવાં કુળવાન ! હજી તો મારા સસરાની ત્રીજી જ પેઢીએ અમારે ઘરે સુલતાનપર ગામની નગરશેઠાઈ હતી..."

એવી એવી ખાટીમીઠી શિખામણો આપતાં તો પ્રભાત થવા આવ્યું. અને ઓસરીમાં ગોદડું ઓઢીને પડેલા ઘોઘલાએ આ ચર્ચા કાનોકાન સાંભળી લીધી. એ નાદાન છોકરાને આજે પહેલી જ વાર જ્ઞાન થયું કે લાડકા રંડાપાનો ખૂણો શોભાવતી ભાભીઓ અને બહેનોને ઝાડા-પેશાબની વાતોમાં પણ વિધિ કરવાની હોય છે, તપ તપવાનાં હોય છે. ઘોઘલો હજી હમણાં જ સત્યાગ્રહની લડાઈમાં જેલ વેઠી આવ્યો હતો. જેલમાં એને ચક્કી પીસવાનું કામ કરવું પડેલું. સાંજે છ વાગ્યામાં તો બરાકોમાં પુરાઈ જવાનું હતું. ખૂનીઓ અને ડાકુઓને પણ પોતાના ભેળા પુરાતા. ત્યાં જેલમાં તો એ લોકોને સારુ પણ ઝાડા-પેશાબનાં ઠામડાં બરાકોમાં મુકાતાં; ત્યારે આ લાડકો રંડાપો કઈ જાતનું કારાગૃહ હશે ? ક્યા ભયંકર અપરાધની એ સજા હશે ? આવા દસ મહિનાને અંતે ભાભીના શરીરનું શું થશે ? એના દિલની ગતિ કેવી બની જશે ? ’ભાભી’ પણ ’ફઈબા’ની જ નવી આવૃત્તિ બની જશે ને ? વિચાર કરતાં કરતાં શિયાળાની પરોઢે ઘોઘલાની આંખો મળી ગઈ. પણ એ નિદ્રા નથી: