પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તંદ્રા છે.

સ્વપ્ન શરૂ થાય છે. ઝાડની ડાળીએ ઠેકતાં વાંદરાં જેવાં ધડા વગરનાં છતાં ઉગ્ર એ સ્વપ્નો છે. એને દેખાય છે કે એક ચરુ ઊકળે છે. ચરુ નીચે ફઈબા જેવી અસંખ્ય આકૃતિઓ જ્વાલાઓને સ્થાને ઊભી છે. ખદખદતા એ ચરુની પાસે શરીર વગરના બે હાથ દેખાય છે. એ બે હાથો ભાભીને - તથા ભાભીના જેવી જ મસ્તીખોર, ગેલતી વહાલભરી માનવાકૃતિઓને - ઉઠાવીને ઉઠાવીને ચરુમાં નાખે છે. પછી એને ઓગાળીને કરેલો રસ ચરુમાંથી બકડીએ બકડીએ ભરીને પેલા બે હાથ એક લોઢાના બીબામાં રેડે છે. પછી બીબાની પેટી ઉઘાડીને એક પછી એક આકૃતિઓને બહાર કાઢે છે. એ દરેક આકૃતિ જીવતી થાય છે. ભવાં ચડાવે છે. એના આગલા બબે દાંત લાંબા થવા લાગે છે. એમાંની એક લંબદંતી ઘોઘલાના ઘરમાં ઘૂસે છે. ઘોઘલો પોતાની નવી પરણેલી વહુ સાથે વાતો કરે છે. લંબદંતી કમાડની ચિરાડમાંથી ડોકાય છે; કહે છે: ’નથી ઓળખતી ? હું તારી ભાભીજી ! મારા દેખતાં વર સાથે વાતો ? ચાલ ચાલ દેવ-દેરે ! ચાલ ફુલકોરબાઈ આર્જાજીની પાસે ! હું તારી સુવાવડ નહિ કરું: મને મહારાજે બાધા દીધી છે. ચાલ, સંઘ નીકળ્યો છે પાંચ તીર્થોની જાત્રાએ.’

"ભાભી ! ભાભી ! ભાભી !" એવી ચીસો પાડતો ઘોઘલો જાગી ઊઠ્યો ત્યારે ફઈ એને ઢંઢોળી રહ્યાં હતાં કે, "ભાઈ ! બાપુ ! ભલો થઈને ઊઠીશ હવે ! વહુનાં માબાપ અત્યારની ગાડીએ ઊતર્યાં છે, ને અમારે હમણાં અહીં ધડાપીટ કરવી પડશે. મહેમાનને માટે બેસણું તો પાથર. હમણાં આવી પોગશે બધાં."

બપોરે શાંતિ વેળાએ હિંમતે ભાભીના બાપ પાસે વાત મૂકી કે, "તમે એને તમારે ઘેર તેડી જાવ. આંહીં એને દસ મહિનામાં મારાં ફઈ અને મારું કુટુંબ મારી નાખશે."

"શી રીતે લઈ જાઉં ! મારી ઇજ્જત જાય."

"પણ હું રજા આપું છું ને ! ઘરનો ધણી તો અત્યારે હું જ છું ને ? હું મારાં ભાભીને રાજીખુશીથી છૂટાં કરું છું."