પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હિંમતલાલ ! વહેવાર બહુ વિકટ છે. હું દીકરીને લઈને ગામમાં પેસું, એટલે મને તો ન્યાત ફોલી જ ખાય. મને ગોળ બહાર મૂકે, તો મારાં છોકરાં ક્યાં વરે ?"

"તમને તમારી સગી દીકરીની દયા નથી ? આટલુંયે બળ નહિ બતાવો ? કોણ - તમારો ચત્રભુજ શેઠ તમને ન્યાત બહાર મૂકશે ? એ સગા દીકરાની વહુને ફસાવનારો -"

"હિંમતલાલ ! ભલા થઈને એ વાત કરો મા !"

"કેમ એને તો ન્યાત કાંઈ નથી કરતી ? પેટની દીકરીને પંચોતેર વર્ષના લખપતિ વેરે પરણાવનારા માકા શેઠનો વાળ કોઈ વાંકો નથી કરતું. કોળણોને ઘેર પડ્યા રહેનારા તમારા મહાજનના શેઠિયા તો મૂછે તાવ દઈ ફરે છે. રાંડીરાંડોની થાપણો ઓળવનારાઓ તો એનાં છોકરાં-છોકરીને વરાવે-પરણાવે છે. અને તમને દીકરીને આગની ઝાળમાંથી કાઢવા સારુ ન્યાત-બહાર મૂકશે ? જુવાન બાઈનો પુરુષ ફાટી પડે એ આપદામાં એને આશ્વાસન દેવાનો, દુઃખ વિસરાવવાનો, બીજે સદ્‌વિચારે ચડાવવાનો મને કે તમને હક્ક નહિ ?"

"ભાઈ, લોકાપવાદને કોણ જીત્યું છે ? મારું ગજું નથી. દીકરીનું વળી જે થાય તે ખરું ! જેવાં એનાં તકદીર ! કોઈ શું કરશે ? આખા જન્મારાના રંડાપા કરતાં મોત શું ખોટું છે ! અમારા ભત્રીજાની દીકરીને એનો ધણી મૂઆ પછી ખૂણામાં ને ખૂણામાં ક્ષય લાગુ થઈ ગયો. બિચારી વહેલી છૂટી ગઈ."

[3]

માબાપ ગયાં. લાડકો ખૂણો ઝાલીને ભાભી બેઠી રહી.

દિયર અને બાપ વચ્ચે થયેલી વાતચીતો એને કાને કમાડની ચિરાડે પહોંચાડી હતી. સગો જન્મદાતા પણ પોતાની આબરૂનો જ વિચાર કરી રહ્યો છે ! એને હજુ છોકરાં વરાવવાં છે ! માટે એ મારું મોત પણ થવા દેવા તૈયાર છે ! એ પોતાના મનને પૂછવા લાગી: હું આ ધર્મ કોના સારુ સાચવી રહી છું ? ગુલાબને સારુ ? ના, ના; આ ભીડાભીડમાં, આ