પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિધિક્રિયામાં, આ લાડકા ખૂણામાં ગુલાબની તો ઝીણી યાદ પણ ક્યાં રહી છે ? હું ખૂણો તો પાળું છું એવી બીકે કે લોકો શું કહેશે ! કયા લોકો ? દિયરે બાપની પાસે વર્ણવ્યા તે બધા ? શું કહેશે ! તેઓનાં કુકર્મોને માટે તો કોઈએ કાંઈ કહ્યું નથી, ને મારા માટે કહેશે ? શું કહેશે ? કહીકહીને શું કહેશે ? વંઠેલી: નિર્લજ્જ: કુળબોળામણ: બસ ને ?

એવી ઘટમાળ દસેક દિવસ ફરતી રહી. અગિયારમી સાંજે સંચાની માફક ભાભીની આંગળીઓ ગરદન ઉપર ફરતી હતી. અને ગળાના દાગીના ઉતારી ઉતારીને નીચે ઢગલી કરતી હતી. ત્યાં ફઈ આવ્યાં. હાથમાં રેશમી કપડાંની જોડ્ય હતી. કહ્યું: "લ્યો, આજ તો આ પે‘રજો ! આજ મારાં સાસરિયાં કાણ્યે આવવાનાં છે."

"મારે નથી પે‘રવાં."

"કાં ? અને આ શું ? આ દાગીના કેમ કાઢી નાખ્યા ?"

"પાછા લઈ જાવ."

"એટલે... ખૂણો પાળવો આકરો થઈ પડ્યો ? કે તમને કાંઈ ઓછું પડ્યું ? પે‘રી લ્યો. છોકરમત કરો મા !"

વહુ ચૂપ રહી. ફઈના હોઠ તપી ગયા: "આ માથું કોણે ભમાવી નાખ્યું તે હું જાણું છું. ઘોઘલે કાન ફૂંક્યા છે પરમ દી પરોઢિયાના ! માડી રે, કામ વંઠ્યું !"

ફઈએ કપાળ કૂટ્યું. એ ધડાકા સાંભળીને હિંમત ઓરડામાં ધસી આવ્યો. એણે ભાભીને ઘૂમટો ઉઘાડીને ઊભેલી દીઠી. એક વારનું ગુલાબી મોં ચિતામાં શેકાયેલું હોય તેવું દીઠું. ફઈ બોલ્યાં: "તારે ખૂણો છાંડીને -"

""ફઈબા !" ઘોઘલાએ કહ્યું : "તમે આ લાડકા ખૂણામાં રોજ દીવો પેટાવજો ને અહીં રહેજો. હું ભાભીને લઈને જાઉં છું."

"ક્યાં ?"

"ગમે ત્યાં."

"ના રે, બાપુ ! હું તો આ હાલી તમારી મોઢા આગળ. સાચવો