પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારું ઘર."

ધડાપીટ કરતાં ફઈ ગયાં. વળતે દિવસે દિયર-ભોજાઈ પણ ગયાં.

સાંજે ઘર ઉજ્જડ પડ્યું હતું. ઓરડામાં રેશમ રઝળતાં હતાં. લાડકા ખૂણાને છાપરાનું ચાંદરણું પૂછતું કે, ’પહેરનારી ક્યાં ગઈ ?’ અને લોકો વાતો કરતાં હતાં.

એકાદ મહિનો વીતી ગયા પછી એ ખડકીનું તાળુ ઊઘડ્યું છે. અંદર વસવાટ શરૂ થયો છે. રૂંધાઈ રહેલ એ ઓરડામાં સૂર્યનાં કિરણો અને આકાશની વાયુ-લહેરીઓ જાણે કે સાતતાળી-દા રમતાં રમતાં દોટાદોટ કરી રહ્યાં છે. બારી-બારણાં હસી હસીને બોલતાં હોય ને જાણે !: ’ફઈબા નથી, ફઈબા નથી.’

ખડકીના માથે ’કાર્ડબોર્ડ’ના પૂંઠા ઉપર મોટા અક્ષરો લખ્યા છે કે, ’વછિયાતો અને વિદ્યાર્થીઓ માટે વીશી. નાના અક્ષરે ભાત પાડીને અંગ્રેજી અક્ષરો કોતર્યા છે કે, ’વર્ક ઇઝ વર્શિપ’ (કામ એ જ પૂજા છે). ફળિયામાં બપોરની વેળાએ ઘોઘાભાઈ ઉર્ફે હિંમતલાલ અજીઠાં વાસણોનો ખડકલો માંજે છે. સફેદ છાયલવાળી ભાભી ઓસરીમાં કમોદ ઓઘાવી રહી છે. બન્નેનાં મોં ઉપર ઊંડી પ્રસન્નતા ઝલકી રહી છે. બન્ને વાતો કરે છે:

"કાલથી બે વિદ્યાર્થી વધે છે, ભાભી ! આજ જમવા આવેલા તે બાપડા બહાર નીકળીને વાતો કરતા હતા કે, આજ જાણે માના હાથની રસોઈ મળી."

ભાભીની નેત્ર-જ્યોતમાં જાણે નવું દિવેલ પુરાયું. "ને, ઘોઘાભાઈ, ઇસ્પિતાલવાળા ઓલ્યા દરદીના બાપા પણ હવેથી આંહીંથી જ થાળી લઈ જાશે. આપણે એ દરદીના સારુ ઝીણા ચોખા લઈ આવશું ને ?"

"હાહા, બચાડા દલપતરામ કારકુનથી પણ બોખા દાંતે મોટા ભાત ચવાતા નથી."

"વછિયાતોને તો, ભાઈ, તમારે થોડીક તાણ કરીને જમાડવા, હો ! સ્ટેશનોની વીશીમાં ખાધેલું ને, એટલે આંહીં શરમાઈને ભૂખ્યા રહે છે માંહીંમાંહીં તો."