પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રોગચાળો ફાટી નીકળ્યો હોય, ને પોતે જાણે દાક્તર હોય, એવો હર્ષ પ્રકટ કર્યો."ને તેમાં પાછું આ વખતે તો, ભાઇ, બેવડે દોરે કામ છેઃ જ્યાં જ્યાં લગન, ત્યાં ત્યાં મરણ; એટલે સપ્તપદી ને સરાવણું બેઉ વાત ભેળી. બેઉ વાતે લાભ સવાયા છે. પાઘડી, ધોતિયાં, ગોદડાં,ગાદલાં ને શ્રીફળોનો પાર નથી રહ્યો."

"હાં, આ વર્ષે એવી તે શી અજાયબી બની છે, ઘૂઘા ગોર, કે લગન ને મરણ જોડાજોડ ?"

"હું તો મારી ઊંડી વિચારણામાંથી એમ માનું છું, ભાઇ," ઘૂઘા ગોરને પોતાની એક ફિલસૂફી હતીઃ "કે, કાં તો આજના નાસ્તિકો જેને માનતા નથી તે 'વિવા ત્યાં વરસી ને લગનમાં વિઘન'ના પ્રાચીન સૂત્રની પ્રતીતિ કરાવવા યમદેવ આ કરી રહ્યો હોય; અથવા તો સુખેદુઃખે સમે કૃત્વા, લાભાલાભૌ જયાજયૌ" એ ગીતાપાઠ ભણાવવાનો કાળનો સંકેત હોય - અર્થાત્, "હે લોકો, લગનમાં હર્ષને વિષે કે મરણમાં શોકને વિષે ચિત્ત ન જવા દેવું' એવી આ કોઇ અંતરિક્ષની શિખામણ હોય."

ઘૂઘા ગોરની ફિલસૂફી ગરમાગરમ શીરા જેવી સરલતાથી ગળે ઊતરી જનારી છે. મને એમના મનનું સમત્વ દંભી નથી લાગ્યું; કેમકે મેં એમને પણ કદી લગન કે મરણમાં ભિન્ન લાગણીઓથી દ્રવતા દીઠ્યા નથી.

"વિવાડો પણ ભારી ઊપડ્યો છે, હો ભાઇ ! હજુ તો કૃષ્ણપક્ષમાં કેર થવાનો છે." ઘૂઘા ગોરે જાણે કોઇ ભીષણ આપત્તિ સામે મને ચેતવ્યો.

"આપણી લગ્નની પધ્ધતિમાં આટલે વર્ષે પલટો ને સુધારો તો ઘણો ઘણો થઇ ગયો હશેઃ નહિ, ઘૂઘા ગોર ?"

"હા, ભાઇ !" ઠાવકું મોઢું કરીને મને ઉત્તર આપ્યોઃ "બે-ત્રણ મોટા ફેરફારો તો હું અવશ્ય જોઇ શક્યો છું: એક તો, પાટિયાં બદલાણાં છે."

“પાટિયાં ?"

"હા, પૂર્વે જે પાટિયામાં 'ભલે પધાર્યા' અને 'વેલ-કમ' લખાતું, તેને બદલે હવે ત્યાં 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં' એ વાક્ય લખાય છે. એક હાથની મધરાશી, એક હાથનું પાટિયું, અને ચપટી સોનેરી રંગની