પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ અવાજ સાંભળું છું ત્યારે મને તબલાની જોડી પૈકીના એકલા નરઘાનો તાલબંધ ઘોષ યાદ આવે છે.

"પણ તમને આ 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં'વાળી વાત કેવી લાગે છે ?" મેં ઘૂઘા ગોરને પૂછ્યું.

"એથી વધુ સારી વાત તો મને આજ હાથ લાગી છે, ભાઇ !" એમ કહીને એણે આંખોને વિશેષ પ્રદીપ્ત કરી."એક શેઠિયાને ઘેરે લગ્ન હતાં. પરણાવવા હું ગયો'તો. વર-કન્યાને માયરે આવતાં બહુ વાર લાગી, એટલે મેં એ ઘરના ભરવાડ નોકરને પૂછ્યું કે, 'કાં, ભાઇ, હવે કેટલીક વાર છે ?' એણે મને જવાબ આપ્યો કે 'હવે ઝાઝી વાર નથી, ભાઇ; બેય સરાડ્યાં છે'.

'સરાડ્યાં છે ?' ધંધો વકીલાતનો છતાં મેં કદી ન સાંભળેલો એ પ્રયોગ હતો.

ઘૂઘા ગોરે કહ્યું: "એક ઢોર જ્યારે હરાયું હોય, ધણમાં સરખું જતું-આવતું ન હોય, ત્યારે માલધારીઓ એ રેઢિયાળ ઢોરને બીજા કહ્યાગરા ઢોરની સાથે બાંધીને સીમમાં મોકલે છે: એને 'સરાડ્યા' કહેવાય. હવે તમે જ વિચારો, ભાઇઃ આ જે છેડાછેડી બંધાય છે, એને 'પ્રભુતામાં પગલાં માંડવા'ની તમારા કવિએ આપેલી ઉપમા બંધબેસતી છે? કે ભરવાડોએ આપેલી 'સરાડવા'ની ઉપમા વધુ ચોટદાર છે !"

ખરેખર, ઘૂઘા ગોરની આ ઉપમા પાસે મને ન્હાનાલાલ કવિની ઉપમા કુચ્ચા લાગી. લગ્ન એટલે બે માનવ-પશુઓનું સરાડવું: હરાયા માનવીને પાળેલા માનવી જોડે જોરાવરીથી સાથી બનાવવું. બેમાંથી જે બળૂંકું હોય તેનું જોર તોડી નાખવાની એક પ્રયુક્તિ તે આ લગ્ન.

"પણ", મને સમસ્યા થઇ, કેમકે હું નારી-સન્માનની - 'શિવલ્રી'ની - બાબતમાં જરા ઉધ્ધત વિચારો ધરાવું છું. "હેં ઘૂઘા ગોર,બેમાંથી ઝાઝાં હરાયાં કોણ જોયાં છે તમે ? - પુરુષ કે સ્ત્રી ?"

"નવા જમાનામાં તો સ્ત્રી જ ને, ભાઇ !" ઘૂઘા ગોરે મારા મતમાં અનુમતિ આપી. અને અનુમતિ એટલે તો મીઠામાં મીઠી ખુશામદ. એટલે