પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા, ઢાંઢાનું ડિલ છોલાય નહિ તે સારુ એને ડિલે વીંટીને પછી રાંઢવા બાંધીને સિંચાય. પછી તો બીજા જણ માલીપા ઊતર્યા. પણ ઢાંઢો કોઈને ઢૂકડા આવવા ન દ્યે. એટલો ખીજેલ, એટલા ફરડકા નાખી રહેલ, પણ જ્યારે આ પટલ પંડ્યે લોહી વહેતે મોઢે માંઈ ઊતર્યાં, ત્યારે ઈ ઢાંઢે રીસ મેલીને બાંધવા દીધું. સૌએ રીડિયા કરીને ઢાંઢાને સીંચ્યો. મારાં છોકરાં ને હુંય એક રાંઢવે વળગ્યાં'તાં. કાઢ્યો પણ પગ ભાંગી ગ્યો'તો. આ તે દિ' પટલના દાંત પડ્યા. મને મે'નત્ય પડી એટલે કસુવાવડ થઈ ગઈ ને આ રોગ લાગુ પડ્યો. ઈ ઢાંઢો ભાંગ્યો ને અમારી ખેડ્યા ભાંગી."

"તે દિ'થી હું ઉભડ બન્યો છું. પાંચ દિ' કામ કરું ત્યાં વળી ખાટલે પડું, ને બે દિ' એમ ને એમ નીકળી જાય." સામતે કહ્યું.

"પણ તમારે તત્કાળ તમારા રાજને દવાખાને જવું'તું ને ? તમારા લોકોનું ગયું છે જ આમ પ્રમાદમાં." કહીને વિદ્વાને બગાસું ખાઈ આળસ મરડી. ચોપડીનો મોહ વધતો હતો.

"હેં-હેં-હેં-હેં ! દવાખાનું !" સામત પટેલે બોખા દાંતવાળું મોઢું ફાડ્યું; એની છાતીની એક-એક ગણાય એવી તમામ પાંસળીઓ પણ ચુડેલોના વૃંદ-શી હસી પડી: "રાજનું દવાખાનું ?"

બાઈ બોલી: "આપડે દરબારે કો'ક એક નોખો લાગો ઉઘરાવીને આંતરડાંની છુબી પાડવાનો એક કારસો તો મગાવેલ છે. જોવો ને ! છુબી પાડ્યાના વીશ રૂપિયા મેલાવે છે. પણ કે' છે કે રોગ માતર મટી જાય છે."

વિદ્વાન સમજી ગયો: 'એક્સ-રે ફોટોગ્રાફી'ની વાત કરે છે.

"પણ ઈ તો શાહુકાર સારુ. આપડા સારુ નહિ. બચાડા શેઠીઆવે મારા બળધિઆને મા'જનમાં લીધો. પણ અમે ક્યાં જાયેં ?"

"અનાથ-આશ્રમ ઘણા છે. કહો તો હું ભલામણ લખી દઉં." વિદ્વાનના દિલમાં દયાના ઝરા છૂટ્યા.

"ના, બાપા ! અમારે અણહકનું ખાવું નથી. કાયા હાલશે ત્યાં લગી ઢરડશું. આને હું અસ્પતાલમાં રાખીશ. ઈ સાજી થાશે, એટલે એને ગાડીએ