પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પામ્યો.

"હા,ભાઇ." ઘૂઘા ગોરે મને પૂર્ણ ગંભીરતા ધરીને કહ્યું: "પ્રત્યેક ધંધામાં - શું તમારા વકીલાતના કામમાં કે શું અમારા ગોરપદાના કામમાં - સાઇકોલોજીનું થોડુંક જ્ઞાન પણ બહુ કામ આપે છે. દાખલો આપું: હું ગામડે જાઉં છું. ટીપણું લઇ જાઉં છું; બીજી બધી જાદુગરી કરું છું. પણ હું ફાવું છું. જ્યારે ભનો પંડ્યો, પોતળો દવે કે શામો તરવાડી નથી ફાવતા; કેમકે સાઇકોલોજીનું તેમને ભાન નહિ."

એટલું કહી, તમાકુની ચપટી હોઠ પાછળ ચડાવી ઘૂઘા ગોરે મને સમજ પાડીઃ

"બાઇઓ મારી પાસે જાતજાતની વાતો જોવરાવવા આવે: 'ગોર, જૂઓ તો ખરાઃ મને મહિના કેમ ચડતા નથી ?... મને આભડછેટ કેમ વખતસર આવતી નથી?... મને સોણામાં સરપ કેમ આવે છે ?' વગેરે વગેરે. આ બધા પ્રશ્નોના જવાબ ટીપણામાં કોણ મારો દાદો નોંધી ગયો છે ! એ તો સાઇકોલોજીથી કામ લેવું જોવે. એક સાઇકોલોજી, ને બીજી 'કોમનસેન્સ'.

એ શબ્દે મને ફરીવાર ચોંકાવ્યો. હું કાંઇ પૂછું એ પૂર્વે જ ઘૂઘા મહારાજે સમજ પાડીઃ

"કોમનસેન્સ તો રોંચા ભરવાડોની કેટલી બધી તીવ્ર ! ભરવાડોનાં લગન હંમેશાં સામટાં થાય; સામટાં એટલે એક જ માંડવે અને એક જ વિધિએ; પચાસ-સો વર-કન્યાઓ. એમાં એક વાર ગોરે તમામ વરઘોડિયાંને ચાર આંટા ફેરવી લીધા ત્યાં એક ભરવાડે આવીને ગોરનું ધ્યાન ખેંચ્યું: 'એલા એ હેઇ ગોર !' કે, 'શું છે, ભાઇ ?' કે, 'આમ તો જો: આ મારી છોકરીની છેડાછેડી કેની હારે બાંધી છે ? માળા, આ તો તેં કેની હારે ફેરા ફેરવી નાખ્યા ? 'કે, 'કા ?' 'અરે, કાં-કાં શું કરછ ? આ તો મારી કન્યાને કો'કના વર હારે ફેરા ફેરવી નાખ્યા !' ગોરની મત મૂંઝાઇ ગઇઃ હવે શું થાય ? ભરવાડે કહ્યું: 'હવે એમાં મૂંઝાઇને કાં મરી રિયો ? ઉબેળ દે ઉબેળ ! ચાર આંટા આમ ફેરવ્યા છે ને, તે હવે ચાર આંટા પાછા ફેરવીને