પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ગરાસ માટે


જથી પંદરેક સાલ પૂર્વે કાઠિયાવાડના વાળાક નામે ઓળખાતા મુલકમાં એક ગામડાના ગામેતીના દરબારગઢમાં જબરું ધાંધલ મચી ગયું હતું.

દરબારગઢની ડેલીની એક ચોપાટમાં એક મોટા અમલદારે પોતાની પોલીસ-ટુકડી સાથે પડાવ નાખ્યો હતો; અને સામી ચોપાટમાં ગરાસદાર ભાઇઓનો ડાયરો મળતો, વળી વીંખાતો, કસુંબા પિવાતા, તડાકા થતા, અને પાછા સૌ ઊઠી ઊઠીને ચાલ્યા જતા. પડછંદ તેમ જ ઠીંગણા એ ગરાસદારોનાં મોં ઉપર અને મેલાં, ફાટેલાંતૂટલાં લૂગડાં ઉપર માનસિક ગૂંચવાડાની અને આર્થિક સત્યાનાશની કથની આલેખાઇ હતી.

ગઢની અંદરના ઓરડાઓ તરફથી ગોલીઓની જે આવ-જા થતી તેના ઉપર પોલીસ-પહેરેગીર બારીક ધ્યાન આપતો હતો.

બહારથી ગઢની અંદર જનારાં બાઇઓનાં ટોળાંને પણ પોલીસ તેમ જ તેના ઉપરી અમલદાર ઝીણી નજરે જોતા હતા.

ટોળા માંહેની કોઇક ડોશી સામી ચોપાટે બેઠેલા પુરુષોને હસીને કહેતી પણ હતી કે, "કુંવર અવતર્યા ને ? નરવ્યા છે ને કુંવર ? સારું બાપા ! મારી આંતરડી ઠરી. આ ઝબલું લઇને જાંઇ છીં, ભા !"

એમ કહેતે કહેતે તેઓ એક થાળમાં રેશમી કાપડ અને સાકર શ્રીફળ વગેરે જે લઇ જતાં હતાં તે ખુલ્લાં કરી બતાવતાં હતાં.

અવારનવાર ગોલી આવીને ડેલીએ પુરુષોને ખબર દઇ જતી કે,"માએ કહેવાર્યું છે કે, કુંવર નરવ્યા છેઃ કાંઇ ઉચાટ કરશો નૈ."

"તો પછેં-" અમલદાર જે ચોપાટમાં બેઠા હતા તે ચોપાટમાંથી