પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક પુરુષે ગોલીને હાકોટો માર્યોઃ 'તો પછે કુંવરનું મોં અમને જોવા દેતાં શું ભે છે તારી માને ! દિ ને રાત કુંવર-કુંવર કરી રિયાં છો રોગાં.." બોલતો બોલતો એ પુરુષ પોતાના ડોળા ઘુમાવતો હતો.

"સથર્યા રો' ને, મારા બાપ !" સામી ચોપાટેથી બીજો જણ ઠંડે કોઠે જવાબ દેતો હતો: "આકળા થઇ ગિયે કાંઇ કુવર હશે ઇ મટીને કુંવરી થોડો થાઇ જાહે ? અને ઉતાવળા શીદ થવું પડે છે, ભા ! મહિનો નાહીને કુળદેવીને પગે લગાડ્યા પછેં પેટ ભરી ભરીને જોજો ને ! બાકી, તમારે શી બીક છે ? ગઢની ચારેકોર તો તમે ચોકી મુકાવી દીધી છે. તમારો બંદોબસ્ત ક્યાં જરાકેય કાચો છે !"

"કાચો શા સારુ રાખીએ ?" સામી ચોપાટે રેશમી કબજા નીચે મલમલનું પહેરણ પહેરીને બેઠેલએ જુવાન ગરાસદાર ઢોલિયેથી પગ નીચે ઉતારીને બોલ્યોઃ "ગરાસ કાંઇ વડવાઓએ કો'કના સાટુ નથી કામી રાખ્યો. લીલાંછમ માથાં વાઢીને.."

એટલું બોલ્યા પછી એને યાદ આવી ગયું કે 'લીલાંછમ માથાં' વાઢીને જમીન જીતવાની વાત હવે બહુ મશ્કરીને પાત્ર બની ગઇ છે, એટલે એ ચૂપ રહ્યો.

સાંજ પડી. દિવસ આથમ્યો. એક સાંઢિયો ડેલીએ આવીને ઝૂક્યો. અને સામી ચોપાટેથી "લ્યો, મામા આવી પોગ્યા !" એવો આનંદ-ધ્વનિ થયો, ઊંટના અસ્વાર ઊતરી સૌને હળ્યામળ્યા, અને ઊંટના કાઠાની મોખરે બાંધેલી એક નાની ટ્રંક છોડીને સાંઢિયા-સવારે ચોપાટમાં મૂકી.

"આ પેટીમાં કુંવરનું ઝબલું છે. ગઢમાં લઇ જાવ." ઊંટ પર આવેલા અમીર મહેમાને એવી કુદરતી રીતે કહ્યું કે કોઇને વહેમ પડી જ ન શકે.

અને જેના ચપોચપ બીડેલા ઢાંકણામાંથી પવન પણ આવ-જા કરી ન શકે એવી એક નવીનકોર તાળાબંધ ટ્રંકમાં ભરેલી સામગ્રી વિષે તો વહેમ જ કોને પડે ? ગોલી ટ્રંક લેવા આવી, અને એણે મહેમાનનાં ઓવારણાં લઇને કહ્યું: "કુંવર અવતર્યા ત્યારથી બોન તો ભાઇભાઇ ઝંખે છે. આપ પધાર્યા ને માને કાં ન લેતા આવ્યા ?"