પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માર્યાં.

વીસ વરસની યુવાન બાઇની આ કામના કુદરતી નહોતી. એ કટ્ટર દાઝ એનામાં ઉત્પન્ન કરનારાં તો એનાં પિયરિયાં હતાં અને ગામના કેટલાક બેકાર, કંગાલ ભાગદારો એને પડખે ચડી ગયા હતા. 'બાઇ ! તને આ તારા ભત્રીજા જિવાઇનો ટુકડોય ખાવા નહિ આપે' એવી ડરામણી દેખાડીને તેમણે સૌએ સ્ત્રીને એના સ્ત્રીત્વ અને માતૃત્વ સામેના આવા ઘાતકી બંડે ચડાવી હતી.

નાખી દીધેલી પોતાની પેટની છોકરીને ફરી પાછી ગોદમાં લઇને બાઇ નવા છોકરાની વાટ જોતી પડી રહી.

વળતા દિવસે ગોલીએ આવી ખબર આપ્યા કે, "પંદર ગાઉ માથેથી વડલી ગામના સુતારનો દસ વાસાનો છોકરો વેચાતો લઇને આપણો સવાર આવેલ છે પણ મરી ગયો છે."

"હવે ?"

"ભાઇએ કે'વાર્યું છે કે, બોનને કહીએઃ ફિકર ન કરે; એક દિ આમ ને આમ કાઢી નાખે. ભાઇ બીજી તજવીજ કરે છે."

બપોર થયાં ત્યાં ડેલીએથી અમલદારનું કહેણ આવ્યું:"બાઇને કહો કે અમારે કુંવર જોયા વગર છૂટકો નથી."

બાઇએ કહાવ્યું:"મારે છે માતાની માનતા, કે સવા મહિને ના'ઇને માતાએ જઇ કુંવરને પગે ન લગાડું ત્યાં સુધી કોઇને દેખાડીશ નહિ. માટે જો કોઇ આ ઓરડે આવ્યા, તો હું જીભ કરડીને મરી જઇશ. જાવ કહી દ્યો જે અમલદાર હોય તેને."

મામાએ અને ગામના બીજા પડખે ચડી ગયેલ ગામેતીઓએ શીખવેલો આ પાઠ હતો. બહેન એ પાઠ પથારીમાં પડી પડી ભજવતી હતી. એ જવાબ સાભળીને અમલદાર ચૂપ થઇ સવા મહિનો પૂરો થવાની વાટ જોતો બેઠો.

પાંચમે દિવસ બાજુના ગામડાના ઢેઢવાડામાં એક બનાવ બનતો હતો. વીસેક વાસાના એક છોકરાની મા ઢેઢડી પાણી ભરવા ગઇ હતી. પાણીનું