પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેસારીને ઘરે વે'તી કરવા જેટલું ભાડું છે. અને હું પગપાળો નીકળીને મહિને-પંદર દહાડે ઘેર પોગી જઈશ."

એક મહાન ગ્રંથકારે 'સ્વાશ્રય' પર લખેલો લેખ વિદ્વાનને યાદ આવ્યો. બોખો સામત રડવા લાગ્યો:

"એંહ, બાપ ! મે'રબાનીથી મને આટલું કરી દેશો ? મને રાજકોટમાં જો કાં'ક મે'નતમજૂરીનું કામ મળી જાય ને, તો હું એમાંથી મારું પેટિયું કાઢીને આની પથારી પાસે પડ્યો રહીશ. મને જો કાંઈ મે'નત્યનું કામ અલાવી દ્યો ને, તો તમે જ મારા પરભુ !"

રાજકોટની ઇસ્પિતાલમાં એ દંપતીને મૂકીને વિદ્વાન પોતાને કામે ચડ્યો. એની ઘોડાગાડીમાં પૈડાં નીચે કચૂડાટ થતો હતો, તેમાંથી એક જ વેણ સંભળાતું હતું: 'એંહ, બાપા ! મને કાં'ક મે'નત્યનું કામ અપાવી દ્યો ને, તો તમે જ મારા પરભુ !'