પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્કસ માંડ્યું છે! તમને આવડી મોટી છોકરીઓને બા વળી શાની આટલી યાદ-"

ઓચિંતા સાવધાન બનીને એણે જીભ કચરી; ધીરે અવાજે પૂછ્યું: "ઘરમાં કોઈ છે નહિ ને? જલદેવી છે અંદર?"

"ના, બાપુજી, એ તો - નવી બા તો - દરિયે નહાવા ગયાં છે. જુઓ તો, બાપુજી! અમે કેવી શોભા કરી છે! આ બધાં જ તોરણ ને પડદા બાના હાથનાં જ કરેલાં. પેલો ચંદરવો-"

"હા, એ તો તું પેટમાં હતી ત્યારે બાએ ભરેલો." દાક્તરને યાદ આવ્યું.

"અમે એ વાવટા પર ચડાવશું."

"વાહ! સરસ છે. પણ...બેટા, મને આ વરસોવરસ ઊજવવું નથી ગમતું. બધું ફરી સાંભરી આવે છે."

"બાને સંભારવું તમને નથી ગમતું, બાપુ?"

"નથી ગમતું - કેમકે નથી સહેવાતું." દાક્તરનું ગળું સહેજ ઝલાયું. એણે ખોંખારો ખાધો. "ને પાછું આ બધું ઘરમાં કંઈ સહુને ગમે એવું થોડું છે? કોઈને નારાજ કરવાથી ઊલટું ઘરમાં ગમગીની -"

"પણ આપણે બાની જન્મગાંઠની વાત કરશું જ નહિ, બાપુ ! આજે અમારા જૂના માસ્તર સાહેબ આવે છે ખરા ને, તેના સ્વાગતની શોભા કહીને ચલાવશું."

"હાં,બરાબર." કંઈક યાદ આવ્યું હોય તેમ પિતાએ ઉમેર્યું: "એને પણ એ સ્વાગત મીઠું લાગશે. બરાબર છે, નાનીની વાત બરાબર છે. તું ભારી દુત્તી છોકરી છે,હો ! મારા બંને ખાપરા-કોડિયા ભારી ખેપાન છે!" એમ કહીને એ માતાવિહોણી દીકરીઓની હડપચીઓ પોતાના બન્ને હાથે પકડીને બન્નેનાં મોં સાથે દાક્તર પોતાની આંખો મસળવા લાગ્યા. દસ વર્ષ પહેલાંની પોતાની સહચરી આજે જાણે ઘરમાં ફરીવાર સજીવન બનીને આવી જણાઈ. સોળ અને તેર વર્ષનાં બેઉ નમાયાં બાળકો બાપુના લાડમાં જનેતાના લાડલડામણનું સુખ પીવા લાગ્યાં. ત્રણેય જણાં જાણે કે નમાયાં