પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં. ત્રણેયને જાણે તે ઘડીએ એ અદીઠ જનેતા એકસામટાં ગોદમાં સંઘરતી ઊભી હતી.

એ ખાડીનું બંદર હતું. મોટો દરિયો ત્યાંથી થોડે દૂર હતો. દરિયાની દિશામાં બન્ને બાજુએ ઊંચા, કાળા ખડકની હારોએ, ધરતીની બે ભુજાઓએ જાણે કે સમુદ્રને પોતાના આલિંગનમાં લીધો હોય તેવી રીતે, એક બીજ-આકારની ખાડી રચી કાઢી હતી. દાક્તરના બેઠા ઘાટના, નાના, ઘાટીલા બંગલાની આસપાસ મોટું ચોગાન વીંટાયું હતું. દીવાલોની બહાર ખાડીનો રસ્તો હતો. રસ્તો નહાવાના ઘાટ પર લઈ જતો હતો. આ પહાડી શહેરના સમુદ્રનું પાણી અનેક રોગોને મટાડતું હોવાથી દેશ-દેશાવરનાં ઘણાં આજાર સ્ત્રી-પુરુષો આવતાં, અને સ્નાન કરી સાજાં થતાં. દરિયાનાં નીલાં પાણી અને ભૂખરાં વાદળની ભોંય વચ્ચે અબોલ ઊભેલી ખડકમાળા સવારે સોનાંના દેવળો જેવી જણાતી, ને સાંજે કોઈ પ્રલયમાં ગરક બની ગએલા પહાડોનાં પ્રેતો બેઠાં હોય તેવી લાગતી. ધીકતી પ્રેક્ટીસવાળા દાક્તર શહેરના દેવદૂત ગણાતા. ખડકમાળને છેક છેડે રહેતા ગરીબ ખારવાઓ અને 'ઢેઢિયા', 'શિયાળિયા' વગેરે નામના ટાપુઓમાં રહેતા માછીમારો વારંવાર હોડી લઈને દાક્તર સાહેબને દર્દીઓને જોવા તેડી જતા. આજે એવી જ એક 'વિઝિટ'માંથી દાક્તર પાછા આવેલ હતા.

ચોગાનના દરવાજામાં કોઈનાં પગલાંનો સંચાર થયો, અને દાક્તર એ તરફ વળ્યા. "ઓહો, માસ્તર સાહેબ! આવી પહોંચ્યા!" એમ કહી એ પગથિયાં સુધી જઈ મહેમાનને હાથ ઝાલી અંદર લાવ્યા. "છોકરીઓ, આ તમારા માસ્તર સાહેબ. મળો તો ખરી!" એમ કહીને એણે અંદરના ઓરડામાં ચાલી ગયેલી દીકરીઓને સાદ કર્યો. થોડી વાર પહેલાંની તોફાની બાળકો જેવી દીકરીઓ લપાતી લપાતી બહાર આવી, અને મહેમાનને નમસ્કાર કર્યા.

"બહેનો તો બહુ મોટી થઈ ગઈ!" એવા મહેમાનના ઉદ્ગારના જવાબમાં દાક્તરે કહ્યું: "ના રે ના, મારાં બચોળિયાં હજુ તો એવાં ને એવાં નાનાં જ છે. આવો આવો, આંહી લતા-મંડપમાં બેસીએ. ત્યાં પરસાળમાં