પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ વખતે "લો! તમે આવી પહોંચ્યા!" એવો રૂપાની ઘંટડી-શો મીઠો કંઠ સંભળાયો, અને મોટી આછી શાલમાં લપેટાએલા દેહવાળી નવી પત્ની અંદર આવી. એના ખભા પર ઢળકતા વાળની લટો હજુ નીતરતી હતી.

"આવો, પધારો, જલદેવી! હું પાછો આવી ગયો છું." એમ કહી કોમળ પગલે દાક્તર સામા જઈ પોતાની નવીને અંદર લીધી. બાવીસેક વર્ષની એની જુવાની હશે. દરિયાઈ સૌંદર્યભર્યા કુંભ-શો એનો દેહ હતો. સમુદ્ર પોતાનાં પ્યારાં હોય તેને પોતાને નીલે રંગે રંગે છે. એવી, સમુદ્ર-સ્નાન કરી કરીને શામળી પડેલી આ તરુણીની ચામડી એક વેળા ચળકાટ મારતી હશે. અત્યારે તો નિસ્તેજ હતી.

"તમે આજ ઢેઢિયા બેટમાં વિઝિટે ગયા હતા ને? સારું થયું કે સાજાનરવા પહોંચી ગયા. મારો જીવ ક્યારનો બળતો હતો." બોલતી બોલતી એ ભીંજાયેલી લટો ઝાપટવા લાગી.

"અરે, પણ આ મહેમાનને તો ઓળખ! જળની દેવી પૃથ્વીનાં પરિચિતોનેય ભૂલવા લાગી!"

જલદેવીએ પરોણાને નિહાળ્યો. ઓળખવામાં એકાદ પળ વધુ થઈ. "ઓહો! માસ્તર સાહેબ! અહીં ક્યારે આવ્યા?"

"હમણાં જ." પરોણો મીટ માંડીને આ જૂના પ્રિયજન સામે તાકી રહ્યો.

"કાં, જલદેવી!" દાક્તરે પૂછ્યું: "આજે તો દરિયાનું પાણી ચોખ્ખું ને શીતળ હતું ના?"

"ચોખ્ખું! અહીંની તમારી ખાડીનું પાણી કે'દહાડે વળી ચોખ્ખું અને શીતળ હતું! હંમેશા તાતું-તાતું અને જીવ વગરનું. ખરેખર, દાક્તર, અહીંની ખાડીનું પાણી માંદું છે."

"માંદું!" માસ્તર સાહેબને એ વિશેષણ વિચિત્ર લાગ્યું.

દાક્તર હસી પડ્યા: "જલદેવી! અમારા જગ-જાણીતા આરોગ્યજળને તેં પણ ભલું વિશેષણ લગાડ્યું! ઠીક ઠીક; જો, જલદેવી, મારે જરા કામ છે. હું દવાખાને જાઉં છું. તું આપણા અતિથિને થોડી વાર