પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાંગરેલું અમારું જહાજ વળતી સફરે ઊપડ્યું ત્યારે અમારા જહાજનો ટંડેલ બીમારીને બિછાને એ બંદરની ઇસ્પિતાલમાં જ રહી ગયો. તેને બદલે ત્યાં વસતા એક લંકાવાસીને લેવામાં આવ્યો."

"લંકાના વાસીને?" કોઈ સમજતું નહોતું કે જલદેવી આવી વાતમાં આશ્ચર્ય શા માટે બતાવી રહી છે. પણ એની ગરદન તો પસીને ટપકવા લાગી હતી.

"હા, રસ્તામાં એ જહાજની ઓરડીમાં એકલો જ બેઠો હતો. તૂતક પરના ટોળામાં એ નહોતો આવતો. તૃષાતુર જેમ પાણી ગટગટાવે તેમ એ આપણા દેશની ભાષા ભણી રહ્યો હતો. એક દિવસ એ નાખુદા પાસેથી જૂનાં છાપાંનો થોકડો લાવીને આપણું છાપું વાંચે છે. ઓચિંતો એ ચીસ પાડી ઊઠ્યોઃ આપણી બોલીમાં પોકાર્યું કે, 'હાય! હાય ! પરણી ગઈ ! મને કોલ દીધા પછી બીજાને પરણી ગઈ? ફિકર નહિ. હું આવું છું. તને લેવા આવું છું. નહિ છોડું.' આટલું બોલીને એણે એ છાપાની કાપલીના ટુકડેટુકડા કરી નાખ્યા. પછી તો અમારું જહાજ દરિયામાં ડૂબ્યું. મેં માન્યું કે એ ડૂબી મૂઓ હશે. પણ પછી મને ખબર પડ્યા છે કે એ જીવતો નીકળ્યો. એ જીવે છે. કોઈ દિવસ એ બેવફાઈનો બદલો લેવા આવી પહોંચશે. આ બનાવમાંથી મેં કલ્પના પકડી છે. મારી પ્યારી માટી એને એક દિવસ સજીવન કરી બતાવશે. જોજો, વાટ જોજોઃ હસી ન કાઢતા. એ કૃતિ તો દેશભરમાં નામના કાઢશે. હા-હા-હા-હા, લો ત્યારે હવે હું જઈશ, હો!" હસીને એ ક્ષીણ દેહ ઊભો થયો.

"એક પલ ઊભા રહો. આવું ક્યારે બન્યું? કેટલો વખત થયો એ કન્યાને?" જલદેવીએ ગાલે આંગળી ઠેરવીને પૂછ્યું.

"બરાબર સાડાત્રણ વરસ. નથી મનાતું? કાંઈ નહિ. લો ત્યારે, જય જય."

કલાકાર ચેટક કરીને ચાલ્યો ગયો તે વેળા જલદેવી પરસેવે રેબઝેબ હતી. અકળામણ થતી હોય તેમ એ ઊઠી. "અહીં બહુ ગરમી છે" એમ કહી એ લતા મંડપની બહાર જઈ લાંબા શ્વાસ લેવા લાગી. દરિયાકાંઠાની