પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવારની શીતળ હવાનાં લહેરિયાં એનાં ફેફસાંને જાણે ઓછાં પડતાં હતાં. બન્ને જણાં ફરીવાર એકલાં પડ્યાં.

મહેમાન મિત્રે જલદેવીના મોં પર ગભરાટ જોયો. પણ એ આખી વાત સમજ્યો નહોતો. એણે આશ્વાસન આપવા માંડ્યું: "દેવી, તમારું દિલ એ વાતથી દુભાયું છેઃ ખરું? પણ એથી વધુની ધારણાય તમે શી રીતે રાખી શકો?"

"ધારણા?" જલદેવીના અંતર-તાર જુદી જ દિશામાં સંધાયા હતા: "ડૂબી મૂએલો માનવી એ રીતે પૃથ્વી પર પાછો આવે એવી ધારણા?"

"ઓહો, તમે પેલા પાગલ કલાકારની દરિયાઈ પરીકથાનો વિચાર કરો છો?"

"માસ્તર સાહેબ, છેક જ એ એક પાગલની પરીકથા નથી."

"હાં-હાં, ત્યારે તો એ મૂએલા ખલાસીની વાતે તમને ગભરાવ્યાં છે! સમજેલો કે ઘરનાં લોકોએ આજનો ઉત્સવ તમારાથી ગુપ્ત રાખ્યો તેથી - તમારા પતિ અને બાળકો એ જૂની સ્મૃતિની દુનિયામાં જીવે છે, અને તમને એમાં દાખલ કરતાં નથી, તેથી-તમે દુભાયાં હશો."

"ના રે ના, પતિના ઉપર મારી એકલીનો જ કબજો માગવાનો મને શો હક્ક હોઈ શકે? એમ તો એ બાપડાંને બધાંને હું પણ મારી સૃષ્ટિની બહાર રાખીને જ જીવી રહી છું ના?"

"ત્યારે શું તમને દાક્તર ઉપર ખરો પ્રેમ નથી?" અતિથિનો અવાજ ધીરો પડી ગયો.

"પ્રેમ તો અપાર છે. મારો પ્રાણ ઠાલવીને એને ચાહતાં શીખી છું. એટલે જ આ બધું આટલું ભયાનક - આટલું અગમ્ય અને અકલ્પ્ય - થઈ પડ્યું છે ના?"

"દેવી! તમે મને આજે તો તમારું દર્દ કહી નાખો."

"ના, આજે નહિ. કોઈ બીજે દિવસે વાત."

અંદરથી નાની દીકરીએ સામું જોયા વિના નીચે મોંએ જ સાદ પાડ્યો: "બા, બાપુજી આવી ગયા છે. તમને અને માસ્તર સાહેબને અંદર