પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જળચરોની, દેવમાછલીઓની, જળઘોડાની, નાગકન્યાની, જળ-કૂકડીઓની, ભયંકર ટાપુઓની, ભાતભાતના સૂર્યાસ્તોની, વાંવાઝોડાંની, ડૂબતાં વહાણોની. સાંભળી સાંભળીને હું એને નિહાળતી. દરિયો અને એ બેઉ એકાકાર બનેલા દેખાતા. મને એ જળદેવતા જણાતો. એની આંખો - હા, એની આંખો - મને મારી ઇચ્છા જાણે ખેંચ્યા કરતી. અમે એક દિવસ એકાંતે મળ્યાં. એણે પોતાની ચાવીઓના ઝૂડાની વાળી કાઢીને મારી આંગળીઓમાંથી કાઢી. બન્ને વીંટીઓને પેલી વાળીમાં પરોવીને મને કહ્યું કે, 'જો, આ દરિયાની સાક્ષીએ આપણે બેઉ જોડાઈએ છીએ'. એટલું કહીને એણે ખૂબ જોરથી એ વીંટીઓ પરોવેલી વાળીનો ઘા કર્યો. દરિયાનું પાણી પાતાળ જેટલું ઊંડું હશે ત્યાં એ વીંટીઓ જઈ પડી અને ડૂબી ગઈ." એટલી કથાને અંતે જલદેવીની મીટ પાછી દરિયા પર મંડાઈ.

"તેં શા સારુ આવું કરવા દીધું, દેવી?"

"કોણ જાણે. મને ખબર નથી. પણ સારું થયું કે એ ચાલ્યો ગયો. પછી મને ભાન આવ્યું. એ બધી મૂર્ખાઈ પર હું હસી પડી. મેં એને કાગળ લખ્યો કે, તારે ને મારે કંઈ નથી. લાંબે દહાડે એનો કાગળ આવ્યો. એ કાગળમાં મારા વિષે કશો ઇશારો જ ન મળે: જાણે સંબંધ તૂટ્યો જ નથી! એક જ વાત લખેલી - ઠરેલે અક્ષરે, સમતાથી લખેલી કે, 'હું પાછો તને લેવા આવવાનો જ છું. મારી વાટ જોજે'. મેં ફરીને લખ્યું - વધુ મક્કમ શબ્દે લખ્યું - કે, તારે-મારે કાંઈ નથી'. પણ એનો જવાબ તો એ-નો એ જ: 'આવું છું. વાટ જોજે.' એક રુમસામથી, એક જંગમ બેટથી, ત્રીજો ચીનથીઃ એમ ત્રણ કાગળો મળ્યા."

"તારા ઉપર શું આ રખડુ પરદેશીએ જાદુ છાંટ્યું?"

"ઓહો! ભયંકર માણસ, દાક્તર! બહુ ભયંકર."

"તો, દેવી, હવે એ વાતને વીસરી જા. હવાફેરથી તને આરામ મળી જવાનો."

"ના ના, આરામ હવે મળશે નહિ. એ આશા રાખશો નહિ. હું એને